બોલિવૂડના બેતાજ બાદશાહ ગણાતા અભિનેતા ફિલ્મ સર્જક શાહરુખ ખાને કહ્યું હતું કે આમિર ખાન અને અમિતાભ બચ્ચનને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી યશ રાજની ફિલ્મ ઠગ્સ ઑફ હિન્દોસ્તાન હિટ ન થઇ એટલે હું ખરેખર અપસેટ થયો છું.
એક ઇન્ટરવ્યૂમાં શાહરુખે કહ્યું,’દર્શકોએ વધુ પડતો કડક નિર્ણય લીધો છે. ઠગ્સ ઑફ હિન્દોસ્તાન બોક્સ ઑફિસ પર ધાર્યો બિઝનેસ નહીં કરી શકી એનાથી હું અપસેટ થયો છું. આ ઇન્ટરવ્યૂમાં મારે મારી વેદના અન્ય કલાકારો સાથે વહેંચવી છે. મારી ફિલ્મો ફ્લોપ નીવડી ત્યારે મને આટલું બધું આકરું લાગ્યું નહોતું. પરંતુ આ વખતે લાગ્યું છે. આ ફિલ્મ સાથે એવા લોકો સંકળાયેલા છે જેમણે દાયકાઓ સુધી દર્શકોને શ્રેષ્ઠ મનોરંજન પીરસ્યું છે. જો કે ફિલ્મ સારી કે નબળી હોઇ શકે છે. કોઇ એવો દાવો કરી શકે નહીં કે અમે દુનિયાની શ્રેષ્ઠ ફિલ્મ બનાવી છે. અહીં તો આમિર ખાન અને અમિતાભ બચ્ચન છે જેમણે વરસોથી સતત ઉત્તમ મનોરંજન પીરસતા રહ્યા છે. છેલ્લાં દસ વર્ષથી આમિરે બેસ્ટ કામ કર્યું છે જ્યારે અમિતજી તો લાંબા સમયથી ઉત્તમ કામ કરતા રહ્યા છે. હવે તેમની ફિલ્મ (ઠગ્સ ઑફ હિન્દોસ્તાન) દર્શકોને રીઝવી શકી નથી. મને લાગે છે કે દર્શકોએ વધુ પડતો કડક ચુકાદો આપ્યો છે.’ તેણે કહ્યું કે સ્ત્રી ફિલ્મ સરસ હતી અને એના જેવી બીજી હજારો ફિલ્મો બનવી જોઇએ પરંતુ ઠગ્સ ઑફ હિન્દોસ્તાન તો ફેન્ટાસ્ટિક બની છે. હું આમિરને છેલ્લાં વીસ વર્ષથી જોઇ રહ્યો છું.