ટીમ ઈન્ડિયા ગુરૂવારે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે રવાના થઈ ચૂકી છે. આગામી ૨૧ નવેમ્બરથી ટીમ ઈન્ડિયા ત્રણ ટી૨૦ ઈન્ટરનેશનલ મેચની શ્રેણી રમવાની છે. ત્યાર બાદ ૬ ડિસેમ્બરથી ટીમ એડિલેડમાં ઓસ્ટ્રેલિય સાથે પ્રથમ ટેસ્ટ રમશે. ટેસ્ટ ટીમમાં સમાવેશ કરાયેલા ભારતના સૌથી અનુભવી ફાસ્ટ બોલર ઈશાંત શર્મા માટે આ તક ’અત્યારા નહીં તો ક્યારેય નહીં’ જેવું છે. તેણે જણાવ્યું કે, તે પોતાના ચોથા અને સંભવતઃ અંતિમ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પોતાનું સર્વસ્વ આપવા માગે છે. ઈશાંત વર્તમાન ટેસ્ટ ટીમમાં ૮૭ મેચ રમવા સાથે સૌથી અનુભવી ખેલાડી છે. આ અગાઉ તે ૨૦૦૭-૦૮, ૨૦૧૧-૧૨ અને ૨૦૧૪-૧૫માં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરનારી ભારતીય ટીમમાં સામેલ રહી ચૂક્યો છે.
ઈંગ્લેન્ડના પ્રવાસ પછી બે મહિના બાદ પોતાની પ્રથમ મેચ રમવા જનારા ઈશાંતે જણાવ્યું કે, ’હું મારું સર્વસ્વ આપવા માગું છું. કેમ કે તમે જ્યારે દેશ માટે રમો છો ત્યારે તમે બીજી તક અંગે વિચારી શકો નહીં. હું અત્યારે ૩૦ વર્ષનો છું. મને નથી લાગતું કે આગામી પ્રવાસ (ઓસ્ટ્રેલિયા ૨૦૨૨-૨૩) માટે ટીમમાં રહીશ કે નહીં. કેમ કે એ સમયે હું ૩૪ વર્ષનો થઈ જઈશ. આથી, વર્તમાન પ્રવાસમાં હું મારું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરીશ.’