વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે છત્તીસગઢમાં આક્રમક ચૂંટણી પ્રચાર કરીને માહોલને ગરમ બનાવ્યો હતો. અંબિકાપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિરાટ ચૂંટણી સભા કરી હતી જેમાં કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા. જવાહરલાલ નહેરુથી લઇને હજુ સુધીના કોંગ્રેસ નેતૃત્વ ઉપર પ્રહાર કરતા મોદીએ કહ્યું હતું કે, ચાર પેઢી સુધી શાસન કરનારને પોતે હિસાબ આપવાની જરૂર છે પરંતુ આ લોકો ચાર વર્ષથી શાસન કરનાર લોકો પાસેથી જવાબ માંગી રહ્યા છે. મોદીએ મધ્યપ્રદેશના શાહડોલમાં કહ્યું હતું કે, ઇન્દિરા ગાંધીએ બેંકોના રાષ્ટ્રીયકરણનું કામ કર્યું હતું. ગરીબોની બેંકો સુધી નેટવર્ક પહોંચીને તેમની સ્થિતિ મજબૂત બને તેવા પ્રયાસ થવા જોઇએ પરંતુ ગરીબ લોકો બેંકો સુધી પહોંચ્યા ન હતા. આજે અમે આ સ્થિતિ ઉભી કરી શક્યા છે. બેંકોમાં લોકોના ખાતા ખુલી ગયા છે. રાહુલ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, તેમની દાદીમાએ કહ્યું હતું કે, ગરીબી દૂર કરવામાં આવશે પરંતુ ગરીબી હજુ સુધી દૂર થઇ નથી. આવા ખોટા વચનો આપનાર ઉપર વિશ્વાસ કરવાની બાબત યોગ્ય નથી. ઇન્દિરા ગાંધીએ કહ્યું હતું કે, ગરીબી દૂર કરવા માટે તેમની સરકાર બનાવો પરંતુ તેમની સરકારની બાબતને ૪૦ વર્ષ થઇ ગયા છે. દેશમાંથી ગરીબી દૂર થઇ નથી. કામ ઉપર વિશ્વાસ રાખીને મત આપવા મોદીએ અપીલ કરી હતી. કોંગ્રેસ લીડર શશી થરુરની ટિપ્પણી બહાને મોદીએ કહ્યું હતું કે, હવે કહી રહ્યા છે કે, નહેરુના લીધે ચાવાળા વડાપ્રધાન બની ગયા છે.
જો લોકશાહીનું આટલું સન્માન કોંગ્રેસ પાર્ટી કરે છે તો એક નાનું કામ પણ કરી બતાવે તેવી અમારી ઇચ્છા છે. પંડિત નહેરુ અને બંધારણમાં તેમની ભૂમિકાના લીધે એક ચાવાળા વડાપ્રધાન બની ગયા છે. પરિવારથી બહાર નિકળી કોઇ વ્યક્તિને માત્ર પાંચ વર્ષ માટે કોંગ્રેસના પ્રમુખ બનાવી આપવા મોદીએ ખુલ્લો પડકાર ફેંક્યો હતો. અંબિકાપુર બાદ મોદીએ મધ્યપ્રદેશમાં શાહડોલમાં ચૂંટણી પ્રચારમાં ભાગ લીધો હતો અને કહ્યું હતુંકે, કોંગ્રેસની હાલત ખુબ જ કફોડી બનેલી છે. મોદીએ પ્રજાને કહ્યું હતું કે, કોંગ્રેસને પ્રશ્ન કરવામાં આવે કે ૫૫ વર્ષમાં શુ કરવામાં આવ્યું છે. તેમને ચાર પેઢીમાં જેટલા શૌચાલયો બનાયા તેટલા અમે ચાર વર્ષમાં બનાવી ચુક્યા છે. મોદીએ એમ પણ કહ્યું હતું કે, એક ચાવાળી વ્યક્તિ વડાપ્રધાન કઈ રીતે બની ગઇ તેને લઇને કોંગ્રેસ પરેશાન છે. કોંગ્રેસ ચાર પેઢીનો હિસાબ આપતી નથી. તેઓ પોતે ચાર વર્ષમાં કરવામાં આવેલા કામોનો દરરોજ હિસાબ આપે છે. ચાર પેઢી હોવા છતાં દેશમાં વિકાસ કામો એટલી ધીમીગતિએ હતા તે બાબત હવે દેખાઈ આવે છે. મોદીએ નિર્મલબાબાના નામનો ઉલ્લેખ કર્યા વગર કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, ટીવી ઉપર એક બાબા આવે છે જે કહે છે કે, જલેબી ખાવો આપના ઉપર કૃપા થઇ જશે. આવી જ સ્થિતિ કોંગ્રેસમાં પણ છે. તેઓ કહે છે કે, માત્ર એક વખત આંગળી દબાવી દેવાની જરૂર છે કૃપા થઇ જશે. કોંગ્રેસની ચાર પેઢીને દેશના લોકોએ અનુભવી છે. ચાર પેઢીનો હિસાબ આપવાના બદલે સરકારના ચાર વર્ષના રેકોર્ડ માંગી રહ્યા છે. મોદીએ ઉમેર્યું હતું કે, ગરીબોના પરિવારના લોકો બિમાર થઇ જાય તો તેમની પાસે કોઇ વિકલ્પ રહેતા નથી. જો ગામડામાં રસ્તા રહેશે નહીં તો વિકાસના લાભ કઇ રીતે પહોંચશે. હવે તમામ ગામોમાં તમામ બાબતો સરળરીતે પહોંચી રહી છે. કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, ૧૮ વર્ષ પહેલા મધ્યપ્રદેશમાં એક મુખ્યમંત્રી દિગ્ગી રાજા હતા. હવે સમજાતુ નથી કે દિગ્ગી રાજા છત્તીસગઢમાં કયા ઇરાદા સાથે આવે છે. મોદીએ અંબિકાપુરમાં બનેલા લાલકિલ્લાની યાદ અપાવી હતી જ્યાં તેમણે ભાષણ આપ્યું હતું. મોદીએ કહ્યું હતું કે, જ્યારે છત્તીસગઢ બન્યુ ત્યારે મધ્યપ્રદેશમાં દિગ્ગી રાજાની સરકાર હતી. તેમણે કહ્યું હતું કે, કયા કયા કામો માટે છત્તીસગઢના બસ્તરમાં તેઓ આવતા હતા. અહીં તેઓ કહેવા માંગતા નથી. મોદીએ એમ પણ કહ્યું હતું કે, કોંગ્રેસની સરકારો દિગ્ગી રાજાના બે વર્ષ અને અજીત જોગીના ત્રણ વર્ષે જે ઘોષણા પત્ર જારી કર્યા હતા. ૬૨ ટકા વચનો ખોટા હતા તેને ખોલીને જોવામાં પણ આવ્યા ન હતા.