મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ શુક્રવારે નવી દિલ્હીમાં અગ્રણી ઉદ્યોગ સંચાલકોને રૂબરૂ મળીને આગામી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં સહભાગી થઈ ગુજરાતની વૈશ્વિક વિકાસયાત્રાને વધુ વેગ આપવા ઇજન પાઠવ્યું હતું.
વાયબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૧૯ની પૂર્વ તૈયારી રૂપે અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે યોજેલા વન ટુ વન બેઠકના ઉપક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે એમ.જી મોટર્સના એમ.ડી રાજીવ છાબડા, ડીસીએમ શ્રીરામના સી.ઈ.ઓ વિક્રમ શ્રીરામ, ભારતી એન્ટરપ્રાઇઝીસના વાઇસ ચેરમેન રાજનભારતી મિત્તલ, એકમે સોલારના ચેરમેન મનોજ ઉપાધ્યાય, રિન્યુ પાવર વેન્ચરના સી.ઇ.ઓ. સુમન્ત સિન્હા અને સ્પાઇસ જેટના ચેરમેન અજય સિંહએ બેઠકો યોજી હતી.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નવી દિલ્હીમાં ઉદ્યોગ વેપાર વિશ્વના અગ્રણી સંચાલકો સમક્ષ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૧૯ની વિશેષતાઓ ઉજાગર કરતા સ્પષ્ટપણે જણાવ્યું કે ‘શેપિંગ અ ન્યૂ ઇન્ડિયા’ની થીમ સાથે આ વાઇબ્રન્ટ સમિટ દ્વારા ગુજરાત ન્યૂ ઇન્ડિયાની નીંવ મૂકશે, એટલું જ નહીં ન્યૂ ઇન્ડિયાના નિર્માણનું નેતૃત્વ પણ કરશે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે ગુજરાતમાં હવે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસથી એક ડગલું આગળ વધીને ફીલ ઓફ ડુઇંગ બિઝનેસનું વાતાવરણ બન્યું છે.
આગામી તા. ૧૮ થી ૨૦ જાન્યુઆરી ૨૦૧૯ દરમિયાન યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની નવમી કડી પૂર્વે નવી દિલ્હીમાં ઉદ્યોગ વેપાર જગત સમક્ષ કર્ટેન રેઇઝર દ્વારા આ સમિટના વિવિધ પહલુઓને ઉજાગર કર્યા હતાં. પાછલા બે વર્ષમાં એટલે કે આઠમી સમિટ ૨૦૧૭માં યોજાઇ ત્યારથી આગામી સમિટ સુધીમાં ગુજરાતે અનેક ક્ષેત્રોમાં દેશ અને દુનિયામાં અગ્રગણ્ય સ્થાન મેળવ્યું છે. ગુજરાતીઓની ઉદ્યમ શિલતા, રાજ્યમાં ઇમાનદારી યુક્ત શાસન, ડાયનેમિક પોલિસીઝ તથા સમર્પિત નેતૃત્વ અને સમાજની શાંતિપ્રિયતાના કારણે આ સંભવ બન્યું છે.
આગામી સમયમાં ગુજરાતમાં મારૂતિ ઉત્પાદન ક્ષમતા બમણી કરી ૧૫ લાખ યુનિટની કરશે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાયબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૧૯ની પૂર્વ તૈયારીના ભાગરૂપે નવી દિલ્હી ખાતે વન ટુ વન બેઠક શ્રૃંખલામાં મારુતિ સુઝુકીના મેનેજિંગ ડિરેક્ટર કેનિચી અયુકાવા સાથે ગુજરાતમાં મારુતિ મોટર્સના નવા પ્લાન્ટના કાર્યારંભ અંગે પરામર્શ કર્યો હતો. તેમણે ગુજરાતના સ્થાનિક યુવાનોને રોજગારી મળે તે માટે મારુતિ સુઝુકી આઇ.ટી.આઇમાં નવા તાલીમ અભ્યાસક્રમો શરૂ કરવાનું છે તેની પણ ચર્ચા કરી હતી મારૂતિ સુઝુકી ગુજરાતમાં આવનારા સમયમાં તેના ત્રીજા તબક્કાના પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા બમણી એટલે કે ૭.૫ લાખથી વધારીને ૧૫ લાખ કારની કરશે તે અંગે તેમણે મુખ્યમંત્રી સાથે ચર્ચાઓ કરી હતી. નવી દિલ્હી ખાતેની બેઠકોની શ્રૃંખલાઓ દરમિયાન મુખ્યસચિવ ડો. જે.એન.સિંઘ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથન, નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલ, મુખ્યમંત્રીના અગ્રસચિવ એમ. કે. દાસ તેમજ ઉદ્યોગ, પ્રવાસન, ધોલેરા એસઆઈઆર વગેરેના વરિષ્ઠ સચિવો જોડાયા હતાં.
આગામી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં નેધરલેન્ડ બનશે પાર્ટનર કન્ટ્રી, કરશે ૧૫૦૦ કરોડનું રોકાણ
ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ગુજરાત સમિટ ૨૦૧૯ની પૂર્વ તૈયારીના ભાગરૂપે નવી દિલ્હી ખાતે વન ટુ વન બેઠક દરમિયાન નેધરલેન્ડના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત માર્ટન વેન ડેન્ગ બર્ગે ગુજરાતમાં પોર્ટ લેન્ડ ડેવલપમેન્ટ તેમજ દહેજ પી.સી.પી.આઇ.આર.માં નેધરલેન્ડના ઉદ્યોગોના રોકાણ માટે ઉત્સુકતા દર્શાવી હતી. વિજય રૂપાણીએ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૯ની પૂર્વ તૈયારી રૂપે આજે સવારથી જ નવી દિલ્હીમાં ગ્લોબલ બિઝનેસ લીડર્સ અને રાજદૂતો સાથે વન ટુ વન બેઠકનો પ્રારંભ કર્યો હતો. નેધરલેન્ડની અગ્રણી કંપની રોયલ વોપાકે દહેજમાં રૂ. ૧૫૦૦ કરોડના રોકાણ સાથે જેટી નિર્માણના કરાર કર્યા છે અને તેના આધાર પર નેધરલેન્ડની અન્ય કંપનીઓને પણ ગુજરાતમાં રોકાણો માટે પ્રેરિત કરવાની બાબતે પણ તેમણે વિચાર વિમર્શ કર્યો હતો.