ગાંધીનગરમાં રોડની બંને બાજુ ગેરકાયદેસર ર્હોડિંગ લગાવીને જાહેરાત કરતાં લોકોના ર્હોડિંગ પર તંત્રની તવાઈ આવી છે. છેલ્લા બે દિવસમાં ૧૭૦થી વધુ નાના-મોટા બેનર-ર્હોડિંગ કઢાયા છે. દૂર કરાયેલા ર્હોડિંગમાં સ્થાનિક નેતાઓના દિવાળીના શુભેચ્છા સંદેશો આપતો ર્હોડિંગ પણ મોટી સંખ્યામાં જોવા મળ્યા છે.
નેતાઓના શુભેચ્છા સંદેશની જાહેરાતો પર બીજા દિવસે તવાઈ
ગાંધીનગરના વિવિધ માર્ગો પર ગેરકાયદેસર ર્હોડિંગ લગાવીને દુકાનદારો, વેપારીઓ, ક્લાસીસ સંચાલકો મફતમાં જાહેરાતો કરતા હોય છે. ત્યારે અવારનવાર તંત્ર દ્વારા આ પ્રકારના ગેરકાયદેસર ર્હોડિંગ પર કાર્યવાહી કરતાં કાઢી લેવાય છે.
જોકે, થોડા જ દિવસોમાં ફરીથી ર્હોડિંગ લાગી જાય છે. ત્યારે ફરીથી સક્રિય થયેલા દબાણ તંત્રએ બે દિવસમાંથી નાના-મોટા ૧૭૦થી વધુ ર્હોડિંગ ઉતારી લીધા છે. ગેરકાયદેસર ખડકી દેવાયેલા આ ર્હોડિંગમાં કેટલાકની સાઈઝથી ૧૦થી ૧૨ ફુટ કરતાં પણ વધુ છે. આ રીતે મનપા દ્વારા શહેરમાં જે જગ્યાએ ગેરકાયદે આવા ર્હોડિંગ લગાવવામા આવ્યા હતા તેને હટાવાયા છે.
ક્લાસીસ સંચાલકોના ર્હોડિંગ્સ સૌથી વધુ
ગાંધીનગરમાં ગવર્મેન્ટ એક્ઝામની તૈયારીઓ કરાવતા નાના-મોટા અંદાજે ૪૦ જેટલા ક્લાસીસ છે. શહેરમાં ચાલતા ક્લાસીસના ર્હોડિંગ-બેનર્સ અન્ય લોકો કરતા વધુ પ્રમાણમાં જોવા મળે છે. દબાણ તંત્ર દ્વારા અનેક વખત મૌખિત ચેતવણી આપ્યા છતાં તેઓ દ્વારા મફતમાં જાહેરાત કરવા છાશવારે ર્હોડિંગ-બોર્ડ લગાવવામાં આવે છે.