જુનાગઢ શહેર સમસ્ત હિન્દુ ધોબી સમાજ યુવક મંડળ ઉપક્રમે જ્ઞાતિ સમાજના તેજસ્વી તારલાઓના સન્માન સમારંભમાં અંધશ્રદ્ધા નિવારણનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો. ચમત્કારો પાછળ વિજ્ઞાનનો ક્રિયા-કારણનો સંબંધ છુપાયેલો છે. ભૂત, પ્રેત, મામો, જીન્નાત, ડાકણ, ચુડેલ, ખવીસ, અદ્રશ્ય-આસુરી શક્તિનું અસ્તિત્વ જ નથી તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. મેયર આદ્યશક્તિબેન મજમુદારે ધોબી સમાજમાં વયોવૃદ્ધની શ્રેષ્ઠ સેવા કરનારાઓ દંપતિઓની શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. તેમણે મનસુખભાઈ વાઝાની સેવા નિષ્ઠાની ભારોભાર પ્રશંસા કરી હતી. સમસ્ત ધોબી સમાજના તેજસ્વી છાત્ર-છાત્રાઓને અભિનંદન આપી પીઠ થાબડી હતી. વિજ્ઞાન જાથાની પ્રવૃતિ સમાજ માટે ઉપકારક છે તે વાતને દોહરાવી હતી. ગુજરાત આખામાંથી આવેલા જ્ઞાતિ સમાજના પ્રમુખોએ હાજરી આપી તેજસ્વી તારલાઓને ઈનામ આપ્યા હતા. જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ સમસ્ત ધોબી સમાજને સંબોધતા જણાવ્યું હતું કે જાથાએ ૩૦ વર્ષમાં ર૦ રાજયોના પરિભ્રમણ કરી જાતઅનુભવ આધારે જાહેર કરે છે કે દુનિયામાં ભૂત, પ્રેત, પિશાચ, ડાકણ, મામો, જીન્નાત, મેલીવિદ્યા, આસુરી શક્તિનું અસ્તિત્વ જ નથી. માનસિક ભ્રમણામાંથી ઉત્પન્ન થયેલી કાલ્પનિક ચિત્રો, મનની ત્રુટિના કારણે આભાસ થાય છે. હકિકત નથી. વર્ષો પૂર્વેના સંસ્કારો, વારસાગત જીન, બોગસ કથા, કાલ્પનિક વાતો, અગાઉના અવૈજ્ઞાનિક માનસિકતાના કારણે લેભાગુઓએ પોતાના લાભ માટે તથા ગુમરાહ કરવા ભયાનકતા, ક્રિયાકાંડો, નિવારણો ઉભા કરી માનવીનું શોષણ કરવાનું ગતકડું ઉભું કર્યું છે. ગ્રહો માનવજીવનને અસરકર્તા નથી તે વિજ્ઞાન સિદ્ધ છે. મોટાભાગના રોગોના ઉપાયો પણ વિજ્ઞાન પાસે છે. ચોક્કસ કારણ સિવાય શરીરમાં કશું જ બનતું નથી. કારણોની શોધની બાબતમાં વિજ્ઞાન સતત વિકસતું રહ્યું છે. વિજ્ઞાનની મદદ વિના દર્શન, બાધા, રાખ-ભભૂતી કે બીજા અવૈજ્ઞાનિક ઉપચારથી કોઈ અસર થતી નથી. વૈજ્ઞાનિક પ્રયોગમાં એકના ડબલ, નજરબંધી, રૂપિયાનો વરસાદ, સંમોહન, જીભની આરપાર ત્રિશુલ નાંખવું, હાથમાંથી ભસ્મ-લોહી નીકળવું, મનગમતી મીઠાઈ ખવડાવવી, શરીર ઉપર સળગતા કાકડા ફેરવવા વિગેરેનું નિર્દશન કરી શીખડાવી દેવામાં આવ્યા હતા.