ગુજરાત વિધાનસભાની ચૂંટણીના જાહેરનામુ પ્રસિધ્ધ થયાના આજે ચોથા દિવસે ભારતીય જનતા પાર્ટી દ્વારા ૭૦ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. જેમાં ભાવનગર જિલ્લાની સાત બેઠકો પૈકી ચાર બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી છે. જ્યારે હજુ ત્રણ બેઠકો પર સસ્પેન્સ રાખવામાં આવ્યું છે. ભાવનગર જિલ્લાની ચાર પૈકી ત્રણ બેઠકો પર ઉમેદવારો રીપીટ કરાયા છે. જ્યારે એક બેઠક પર પત્નીની જગ્યાએ પતિને સ્થાન આપવામાં આવ્યું છે. બાકી રહેલી ત્રણ બેઠકોમાં ખેંચતાણ શરૂ હોય તેની આવતીકાલે શનિવારે અથવા રવિવારે જાહેરાત કરાય તેવી શક્યતાઓ રહેલી છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ભાવનગર જિલ્લાની સાત પૈકી ચાર બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં ભાવનગર પૂર્વમાં વર્તમાન ધારાસભ્ય વિભાવરીબેન દવે, ભાવનગર પશ્ચિમમાં વર્તમાન ધારાસભ્ય અને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી તેમજ ભાવનગર ગ્રામ્ય બેઠક પર વર્તમાન ધારાસભ્ય અને રાજ્યના મંત્રી એવા પરશોત્તમભાઈ સોલંકીને રીપીટ કરવામાં આવ્યા છે. જ્યારે મહુવા બેઠક પર ભાવનાબેન મકવાણાને બદલે આ વખતે તેમના પતિ રાઘવજીભાઈ (આર.સી. મકવાણા)ને ટીકીટ આપવામાં આવી છે. જ્યારે તળાજા, પાલીતાણા અને ગારિયાધાર બેઠક પર ઉમેદવારો હજુ જાહેર કરવામાં આવ્યા નથી. જો કે આ બેઠક પર ભારે ખેંચતાણ થવાની હોવાનું પણ મનાઈ રહ્યું છે. ગારિયાધાર બેઠક પર વર્તમાન ધારાસભ્ય કેશુભાઈ નાકરાણીને ટીકીટ ફાળવાશે તો ગારિયાધાર શહેર પ્રમુખ સહિત હોદ્દેદારો સામુહિક રાજીનામા ધરી દે તેવી ચર્ચાઓએ જોર પકડયું છે. જ્યારે તળાજામાં પણ કોળી ઉમેદવાર કે પાલીવાલને ટીકીટ આપવી તેના પર પણ ખરાખરીનો જંગ ચાલી રહ્યો છે.
આ ઉપરાંત પાલીતાણામાં ગત ટર્મ હારેલા મહેન્દ્રસિંહ સરવૈયાને નિગમના ચેરમેન બનાવી દીધા બાદ હવે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનું નામ ચર્ચાઈ રહ્યું છે પરંતુ થોડા સમય પહેલા જ પાલીતાણામાં તેમના પર એક સભામાં જુતૂં ફેકાયું હતું અને તેમના તરફી પણ લોકોની નારાજગી હોવાનું મનાઈ રહ્યું છે ત્યારે હવે પાલીતાણામાં પણ ટીકીટ ફાળવણી માટે ભાજપ માટે માથાનો દુઃખાવો બન્યો છે ત્યારે બાકી રહેલી ત્રણ ટિકીટો માટે જો પોતાનું ધાર્યુ નહીં થાય તો અનેક આગેવાનો અને કાર્યકરો બળવો કરવાના મૂડમાં હોવાનું પણ જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે.
કનુભાઈ કળસરીયાએ અપક્ષમાંથી ઝંપલાવ્યું
મહુવાના પૂર્વ ધારાસભ્ય અને આપમાંથી તાજેતરમાં જ વિખૂટા પડેલા એવા ડો.કનુભાઈ કળસરીયાએ આજે મહુવા બેઠક પરથી અપક્ષ તરીકે ઉમેદવારીપત્ર ભર્યુ હતું. આમ, કનુભાઈએ અપક્ષ માંથી ઉમેદવારી કરતા હવે રાજકિય વાતાવરણ ગરમાયું છે. આ ઉપરાંત આજે ભાવનગર ગ્રામ્ય બેઠક પરથી લક્ષ્મણભાઈ તુલશીભાઈ ડાખરાએ પણ અપક્ષ તરીકે ઉમેદવારી પત્ર ભર્યુ હતું. આમ, ઉમેદવારીપત્ર ભરવાના આજે ચોથા દિવસ સુધીમાં મહુવા બેઠક પર બે, તળાજા બેઠક માટે બે તેમજ ભાવનગર ગ્રામ્ય અને ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠક માટે એક-એક મળી કુલ છ ઉમેદવારીપત્રો ભરાયા છે. જે છ અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આજે ફોર્મ ભરવાના ચોથા દિવસે પ૩ ઉમેદવારીપત્રોનો ઉપાડ થયો હતો. આમ, ચાર દિવસમાં ભાવનગર જિલ્લાની સાત બેઠકો માટે કુલ ર૧ર ઉમેદવારીપત્રોનો ઉપાડ થયો છે ત્યારે કહી શકાય કે, શનિવાર અને સોમવારના દિવસે અનેક ઉમેદવારીપત્રો ભરાય તેવી શક્યતાઓ રહેલી છે.