ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતા જ દિવસેને દિવસે ચૂંટણીનો માહોલ જામતો જાય છે અને છેલ્લા બે-ચાર દિવસથી ટીકીટ ફાળવણીને લઈને પ્રજામાં ભારે ઉત્તેજનાભર્યો માહોલ જોવા મળી રહ્યો હતો.
ત્યારે આજરોજ ભાજપ પક્ષ દ્વારા પ્રથમ ૭૦ બેઠક માટે ઉમેદવારોના નામ જાહેર થતા જ કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો ત્યારે મહુવા વિધાનસભા બેઠક પર ભાજપમાંથી બે દાવેદાર જેમાં વર્તમાન ધારાસભ્ય ભાવનાબેન મકવાણા અને પૂર્વ નગરપાલિકા પ્રમુખ અને પાયાના કાર્યકર ગણાતા બિપીનભાઈ સંઘવીના નામ ચર્ચામાં હતા ત્યારે આજે ભાજપ દ્વારા જાહેર કરાયેલ પ્રથમ યાદીમાં મહુવા બેઠક પરથી ભાવનાબેનની જગ્યાએથી તેના પતિ અને જિલ્લા વિપક્ષના નેતા એવા રાઘવજીભાઈ મકવાણાને પક્ષ દ્વારા જાહેર કરાતા બિપીનભાઈ સંઘવી દ્વારા પક્ષમાંથી રાજીનામુ ધરી દેતા ભાજપમાં ભડકો થયો છે. બિપીનભાઈએ ધરેલ રાજીનામુ ભાજપને મોટુ નુકશાન કરી શકે તેવું મનાઈ રહ્યું છે.
કેમ કે આ બેઠકના ઉમેદવાર કોળી સમાજના છે અને જો કોંગ્રેસ પક્ષમાંથી અહીંના યુથ કોંગ્રેસ પ્રમુખ અને યુવાઓમાં આગવી ઓળખ ઉભી કરનાર વિજયભાઈ બારૈયાને ટિકીટ ફાળવવામાં આવે તો ભાજપની મુશ્કેલીમાં વધારો થાય અને કાંટે કી ટક્કર મળી શકે છે. મહુવા પંથકમાં કોળી સમાજનું ૪૦ હજાર મતદાન છે તેવા સમયે જો ભાજપના કોળી સમાજ ઉમેદવાર સામે કોંગ્રેસ પક્ષ પણ જો અહી પ્રભુત્વ ધરાવતી કોળી જ્ઞાતિના ઉમેદવાર પર કળશ ઢોળે તો ચોક્કસ પણે આ બેઠક ઉપર ભાજપને જીતવું મુશ્કેલ થઈ શકે.કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા એવા રાજાબરારનું અહીં સંમેલન યોજાયું ત્યારે વિજય બારૈયાના નેતૃત્વથી કોંગ્રેસના ઈતિહાસમાં મહુવામાં ક્યારેય થયું ન હોય તેમ ૧૦ હજારથી વધુ કાર્યકરો સહિતની મેદની ઉપસ્થિત રહી હતી અને કાર્યક્રમને સફળ બનાવતા જ ભાજપ માટે ચિંતાનો વિષય બન્યો હતો.
પક્ષમાં મારી અવગણના થતા રાજીનામુ આપ્યું : બિપીનભાઈ
ભારતીય જનતા પક્ષના સ્થાપના કાળ અને જનસંઘના સમયથી હું પક્ષના વફાદાર તરીકે કાર્ય કરતો આવ્યો છુ પરંતુ છેલ્લા ઘણા સમયથી પક્ષમાંથી મારી અવગણના થતા મે રાજીનામુ ધર્યુ છે અને વધુમાં જણાવ્યું કે હું હાલ પુરતો કોઈ પક્ષમાં જોડાવાનો નથી કે અપક્ષ લડવા માટે કોઈ વિચારધારા કે નિર્ણય કર્યો નથી તેમ ‘લોકસંસાર’ના પ્રતિનિધિ સાથે બિપીનભાઈ સંઘવીએ સીધી વાત કરી હતી.