કંસારા શુધ્ધીકરણ પ્રોજેકટનો કાળીયાબીડ વેસ્ટ વિયરથી પ્રારંભ

1931

ભાવનગર શહેરમાંથી પસાર થતી કંસારા ગઢેચી શુધ્ધીકરણ પ્રોજેકટ અંતર્ગત મેયર, ચેરમેન સહિત અધિકારીઓએ આજે કાળીયાબીડ વેસ્ટ વિયરથી પ્રારંભ કર્યો હતો અને ૧પ૦ જેટલા કંસારામાં છોડાતા ડ્રેનેજ કનેકશનો તાકીદની અસરથી બંધ કરવા નોટીસો અપાઈ હતી.

ભાવનગર શહેરમાંથી પસાર થતા કંસારા નાળાના શુધ્ધીકરણ પ્રોજેકટ અંતર્ગત કંસારા રિવર સ્થળની આજે મેયર મનહરભાઈ મોરી, ચેરમેન યુવરાજસિંહ ગોહિલ તથા મહાપાલિકાના અધિકારીઓ ઈન્ચાર્જ સીટી એન્જીનીયર કુકડીયા, ડ્રેનજ વિભાગના વિક્રમસિંહ ગોહિલ, એસ્ટેટ ઓફિસર વિજય પંડિત સહિત અધિકારીઓ તેમજ પ્રોજેકટના કન્સલ્ટન્ટ એસ.એમ. પ્રજાપતિ અને તેમના સહયોગીઓને લઈને કાળીયાબીડ વેસ્ટ વિયર સરદાર પટેલ સ્કુલ પાછળના ભાગેથી શરૂ કરી હિલ પાર્ક, ભાખલ પરા, સુર્યનગરી, ગોકુલધામ સોસાયટી, વિરાણી, મારૂતી યોગાશ્રમ, દુઃખીશ્યામબાપા સર્કલ સુધી કંસારા નદીનું નિરીક્ષણ કર્યુ હતું અને કંસારા નાળામાં છોડવામાં આવતા ૧પ૦ જેટલી જુદી જુદી સંસ્થાઓ તથા ખાનગી આસામીઓના ડ્રેનેજ કનેકશનો તાત્કાલિકની અસરથી બંધ કરવા નોટીસો ઈસ્યુ કરવાની તાકીદ અપાયેલ. તેઓને આઠ દિવસમાં કનેકશનો બંધ કરવાની જાણ કરવામાં આવશે. જો સ્વયંભૂ બધ નહીં થાય તો તંત્ર દ્વારા કનેકશનો બંધ કરાશે.

કંસારામાં ડ્રેનેજ કનેકશનો તથા નાળાની જમીનોમાં થયેલા દબાણોનો સર્વે કરવા તમામ પદાધિકારીઓ અને અધિકારીઓ નાળામાં ૩.પ કિલોમીટર ઉભી નદીએ ચાલીને રૂબરૂ નિરીક્ષણ કરેલ. ત્યાર બાદ આ પ્રોજેકટને ફેઈઝ વાઈઝ કરવા મેયર તથા ચેરમેન દ્વારા સુચના આપવામાં આવી હતી. જેમાં પ્રથમ ફેઈઝનું કામ કાળીયાબીડ વેસ્ટ વિયરથી શરૂ કરી દુઃખીશ્યામ બાપા સર્કલ  સુધીના કામનો ડી.પી.આર. તૈયાર કરવા કન્સલ્ટન્ટને સુચના આપવામાં આવી હતી.

Previous articleદુર્ગાવાહિની દ્વારા ગૌપૂજન કરાયું
Next articleભાવનગર ગોપાલક સમાજ દ્વારા ઓપન ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ