પોલિયો એક એવી બિમારી છે કે, જે એક વખત થઇ જાય પછી તેની કોઇ સારવાર કે ઇલાજ નથી. માણસ આજીવન અપંગ બની દર્દનાક જીવન જીવે છે. આટલી ગંભીર બાબત હોવાછતાં તાજેતરમાં કચ્છ અને મોરબીના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ પત્ર લખી વેકસીનનું વીવીએમ સ્ટેટસ લાસ્ટ સ્ટેજનું હોવાછતાં અને તે નકામી તેમ જ ઉપયોગ કરવા માટે લાયક નહી હોવાછતાં તે ઉપયોગમાં લેવાતાં ભારે વિવાદ સર્જાયો છે.
કોંગ્રેસના સિનિયર નેતા અને એઆઇસીસીના રાષ્ટ્રીય પ્રવકતા શકિતસિંહ ગોહિલે આ સમગ્ર મામલે ભાજપ સરકારને આડા હાથે લીધી હતી અને માનવજીવન ખાસ કરીને બાળકોના આરોગ્ય સાથે ભાજપ સરકાર દ્વારા ચેડા કરાયા હોવાના ગંભીર આરોપ લગાવાયા હતા. તેમણે આ સમગ્ર પ્રકરણમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને યુનિસેફ મારફતે ઉગ્ર તપાસની માંગણી પણ કરી હતી. કોંગ્રેસના સિનિયર નેતા શકિતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, પોલીયો ના થાય તે માટે ઇન્જેકટેબલ પોલીયો વેકસીન(આઇપીવી) વેકસીનના ડોઝ આપવાના હોય છે. આઇપીવી વેકસીન બે ડિગ્રી સેન્ટીગ્રેડ અને આઠ ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન વચ્ચે જ રાખવાથી સુરક્ષિત રહે છે. જો તાપમાન વધુ મળી જાય તો પણ વેકસીન નકામી થઇ જાય છે. ખુદ આવી વેકસીનનો ઉપયોગ નહી કરવા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(ડબલ્યુએચઓ-હુ) દ્વારા પણ સ્પષ્ટ તાકીદ કરાયેલી છે ત્યારે ભાજપ સરકારે આવી વેકસીન નહી વાપરવાના બદલે તેનો ઉપયોગ કરવા ટેલિફોનીક સૂચના આપી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી. કચ્છ અને મોરબી જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીઓએ અનુક્રમે તા.૧૭-૧૦-૨૦૧૭ અને તા.૯-૧૦-૨૦૧૭ના પત્રમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, જે વેકસીન અપાઇ છે, તેનું વીવીએમ સ્ટેટ્સ લાસ્ટ સ્ટેજનું છે અને તે લાભાર્થીને આપતાં સુધીમાં અનયુઝેબલ થવાની શકયતા છે. અનેક જિલ્લાઓમાંથી આ પ્રકારની રજૂઆત છતાં ભાજપ સરકાર દ્વારા ટેલિફોનીક સૂચના આપી આ વેકસીન વાપરી નાંખવા તાકીદ કરાઇ છે. કોંગ્રેસ પક્ષ તરફથી શકિતસિંહ ગોહિલે ઉગ્ર માંગણી કરી હતી કે, યુનિસેફ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને જિલ્લા આરોગ્ય અધિકારીઓની લેખિત ફરિયાદ લઇ સરકારના વલણની સ્પષ્ટ તપાસ કરવી જોઇએ. ફ્રેન્ચ કંપની સનોફી પાસ્ટર પણ આ મામલે સ્પષ્ટતા કરે કે, કંપનીએ ગુજરાતમાં વેકસીન મોકલ્યું તે કયા સ્ટેજનું હતુ. આ માનવજીવનનો ગંભીર સવાલ છે, ભાજપ સરકાર મામલાની ગંભીરતાને હળવાશથી લઇ શકે નહી.