ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારમાં પાણીની સમસ્યા કાયમી રહી છે. પાણી માટે અહીં વર્ષોથી અવાજ ઉઠતો રહ્યો છે. ત્યારે હવે ગુજરાતે પાણીની આ કાયમી સમસ્યાનું સમાધાન શોધ્યું છે. ગુજરાત સરકાર પોતાના વધુ એક સપનાનાને સાકાર કરવા તરફ આગેકૂચ કરી રહી છે. રૂપાણી સરકારે સમુદ્રના ખારા પાણીને પીવાલાયક બનાવવાના પ્લાન્ટને મંજૂરી આપી દીધી છે. કરાર થતાં ગુજરાત સરકારનું આ સપનું કાઠિયાવાડમાં આકાર પામશે. જામનગરના જોડિયામાં આ પ્લાન્ટને સ્થાપવાની મંજૂરી આપી દેવામાં આવી છે. આ પ્લાન્ટથી સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા દૂર થશે. આ પ્લાન્ટ શરૂ થયા બાદ જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી અને કચ્છના વિવિધ વિસ્તારોમાં રોજના ૧૦ કરોડ લિટર પીવાનું પાણી પહોંચાડી શકાશે.
સંકુલ ૧માં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજરીમાં આ પ્રોજેક્ટના કરાર કરાયા હતા. ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ અને એસ્સેલ ગ્રુપ વચ્ચે આ કરાર થતાં હવે ગુજરાત સરકારનું પાણીદાર સપનું સાકાર થશે. ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ અને એસ્સેલ ગ્રુપ વચ્ચે મહત્વનો કરાર કરવામાં આવ્યો છે. જેમાં જામનગરના જોડિયામાં ૧૦૦ એમએલડી ડિસેલિશન પ્લાન્ટ બનશે. જે માટે ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે એસ્સેલ ગ્રુપના એસ્સેલ ઈન્ફ્રા પ્રોજેક્ટ્સ લિમિટેડ કંપનીને પ્રોજેક્ટની જવાબદારી સોંપી છે.
જેથી એસ્સેલ ઈન્ફ્રા અને સ્પેનની એબેનગોઆ કંપની મળીને પીપીપી મોડલ આધારે આ પ્લાન્ટ બનાવશે. આ પ્લાન્ટમાં રોજનું ૧૦૦ સ્ન્ડ્ઢ એટલે કે ૧૦ કરોડ લિટર ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવશે. આ પ્રસંગે વિજય રૂપાણીએ કહ્યું હતું કે, આજનો દિવસ ઐતિહાસિકઃ છે. ગુજરાતમાં પ્રથમ વખત આવો પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે. ત્યારે તેનું કામ ઝડપથી શરૂ થાય તેવા પ્રયાસ કરાશે. મોદીના હસ્તે આ પ્રોજેક્ટનો શિલાન્યાસ થશે. દુનિયા આખી આપણે ત્યાં અભ્યાસ કરવા આવે તેવો આ પ્રોજેક્ટ છે.