ટોઈંગ કરવા છતાં વારંવાર લોકો ગમે ત્યાં વાહનો પાર્ક કરે છેઃટ્રાફીકની સરાહનીય કામગીરી

832

ગાંધીનગર શહેરમાં આડેધડ વાહનપાર્કીંગની સમસ્યા વકરી રહી છે ત્યારે ટ્રાફિક પોલીસે આવા વાહનચાલકો સામે કડક હાથે કામ લેવાનું શરૂ કર્યું છે જે અંતર્ગત ત્રણ જ દિવસમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી કુલ ૧૦૦ જેટલા વાહનોને ટો કરીને ૧૭ હજાર ઉપરાંતનો દંડ વસુલ્યો હતો. આગામી દિવસોમાં પણ આ ઝુંબેશને વધુ સઘન બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ગાંધીનગર શહેરમાં પહોળા રાજમાર્ગો ઉપર ટ્રાફિકની સમસ્યા આમ તો નહીંવત છે પરંતુ વાહનચાલકો દ્વારા માર્ગો ઉપર જ આડેધડ વાહન પાર્ક કરી દેવાના કારણે ટ્રાફિકની સમસ્યા વકરતી હોય છે.

ત્રણ મહિના અગાઉ મોટા પાયે શરૂ કરવામાં આવેલી ઝુંબેશમાં પોલીસે કુડાસણથી લઈ ગાંધીનગરના વિવિધ સેકટરોમાં આડેધડ વાહન પાર્કીંગ અંતર્ગત ૭૦૦થી વધુ વાહનો સામે ટોઈંગની કામગીરી કરી હતી.

અમુક સ્થળોએ આડેધડ વાહન પાર્કીંગ અટકાવવા માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો પરંતુ સમય જતાંની સાથે વાહનચાલકો ફરી પાછા માર્ગો ઉપર આડેધડ વાહન પાર્કીંગ કરવા લાગ્યા હતા. આ સ્થિતિમાં ગાંધીનગર ટ્રાફિક પોલીસે ફરીથી આડેધડ વાહન પાર્કીંગ સામે લાલ આંખ કરી છે અને છેલ્લા ત્રણ દિવસથી રોડ ઉપર પાર્ક થયેલા વાહનોને ટોઈંગ કરવાનું શરૂ કરી દીધુંછે.

જે અંતર્ગત આ ત્રણ દિવસ દરમ્યાન ૧૦૧થી વધુ વાહનો ટોઈંગ કરવામાં આવ્યા હતા. જેમાં સે-ર૧ શાકમાર્કેટ, સે-૧૭/રર, સે-૭, ઈન્ફોસીટી, ઘ-પ, કુડાસણ રીલાયન્સ ચોકડી પાસેના વિસ્તારોનો સમાવેશ થાય છે. આ વાહનચાલકો પાસેથી પોલીસે ૧૭ હજારનો દંડ વસુલ્યો હતો અને આગામી સમયમાં પણ આ ઝુંબેશ યથાવત રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.

Previous articleશંકરસિંહ સીએમ હતા ત્યારે અમદાવાદ એરપોર્ટને સરદારનું નામ અપાયું હતું : ટિ્‌વટર પુરાવા મૂક્યા
Next articleCBSE માં ગણિતમાં નબળા વિદ્યાર્થીને સહેલુ પેપર અપાશે