રાજસ્થાન ચુંટણી : ટિકિટોને લઈ ભાજપ-કોંગ્રેસમાં હજુય ખેંચતાણ

883

રાજસ્થાનમાં વિધાનસભાની ચુંંટણીને લઈને રાજકીય ગરમી ચરમસીમા પર પહોંચી ચુકી છે. ઉમેદવારોની યાદીને લઈને ભાજપ અને કોંગ્રેસ બંનેની પરેશાની વધી ગઈ છે. એકબાજુ કોંગ્રેસ યુવાનો અને અનુભવની વચ્ચે અટવાઈ પડી છે. કોંગ્રેસની આવી ૪૮ સીટો અટવાયેલી છે. એકબાજુ સચિન પાયલોટ યુવાનો અને નવા ચહેરાઓને વધારે પ્રાથમિકતા આપવાની વાત કરી રહ્યા છે. જ્યારે બીજી બાજુ અશોક ગહેલોત વરિષ્ઠ લોકોને ટિકિટ આપવાની વાત કરી રહ્યા છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ પાર્ટીમાં યુવા અને અનુભવની વચ્ચે ખેંચતાણની સ્થિતિ બનેલી છે. એકબાજુ કોંગ્રેસ ૪૮ સીટોને લઈને મુશ્કેલીમાં છે. જ્યારે બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી ૩૮ સીટોને લઈને દુવિધાભરી સ્થિતિમાં છે. જોકે ટુંકમાં જ આ સીટો અંગે પણ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.  કોંગ્રેસ અને ભાજપ બંનેને ઉમેદવારોની યાદી જાહેર કરવામાં મુશ્કેલી પડી રહી છે.

આ વખતે રાજ્ય વિધાનસભાની ચુંટણી કોંગ્રેસ માટે પ્રમાણમાં સરળ દેખાઈ રહી છે. રાજસ્થાનની રાજકીય પરંપરા મુજબ આ વખતે સત્તામાં આવવાનો નંબર કોંગ્રેસનો છે. જેથી કોંગ્રેસને રાહત છે. બીજી બાજુ ભાજપને સત્તા ગુમાવવાનો ડર સતાવી રહ્યો છે. જેથી તમામ તાકાત ઝીંકી દીધી છે. પરંપરા બદલવાની વાત વડાપ્રધાન મોદી સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓ કરી રહ્યા છે. આ વખતે રાજ્યમાં કુલ મતદારોની સંખ્યા ૪૭૪૭૯૪૦૨ છે. જેમાં પુરૂષ મતદારોની સંખ્યા ૨૪૭૬૦૭૫૫ નોંધાયેલી છે. જ્યારે મહિલાઓની સંખ્યા ૨૨૭૧૮૬૪૭ છે. આવી જ રીતે સર્વિસ મતદારોની સંખ્યા ૧૧૩૬૪૨ નોંધાયેલી છે. નવા મતદારોની સંખ્યા છેલ્લા પાંચ વર્ષમાં ૬૭૫૩૦૦૦ વધી છે. આ વખતે કુલ મતદાન કેન્દ્રની સંખ્યા ૫૧૭૯૬ રાખવામાં આવી છે. જ્યારે આ પૈકી શહેરી ક્ષેત્રોમાં મતદાન કેન્દ્રોની સંખ્યા ૯૪૯૦ જેટલી છે. ગ્રામીણ ક્ષેત્રોમાં મતદાન કેન્દ્રોની સંખ્યા ૪૨૩૦૬ નોંધાયેલી છે. યુવા મતદારોની વાત કરવામાં આવે તો જયપુર જિલ્લામાં સૌથી વધુ યુવા મતદારો છે. પ્રદેશમાં ૧૮થી ૪૦ વર્ષની વયના યુવા મતદારોની સંખ્યા ૨૫૪૮૧૭૩૬ છે. જોટવાડામાં ૧.૯૪ લાખ મતદારો નોંધાયેલા છે જે સૌથી વધુ હોવાનું જાણવા મળ્યું છે. રાજસ્થાનમાં ચુંટણીને લઈને ગરમી ચરમસીમા પર છે.

Previous article૧૯૭૧ના ભારત-પાક જંગના હીરો બ્રિગેડિયર ચાંદપુરીનું નિધન
Next articleછભાડીયા ગામે કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન