શહેરના સેક્ટર-૫ના એ અને બી વિભાગમાં તાજેતરમાં માર્ગોનું પેવર કામ કરવામાં આવ્યું હતું. જેના પગલે માર્ગ ઉપર આવેલી અસંખ્ય ગટરો તુટી જવા પામી છે અને ઉભરાવાના પગલે આ વિસ્તારમાં વસવાટ કરતાં સ્થાનિક રહિશો પણ ત્રસ્ત થઇ ગયાં છે. જે અંગે રજુઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઇ જ કામગીરી હાથ નહીં ધરાતાં રહિશોમાં રોષ ઉભો થયો છે.
પાટનગરના સેક્ટરોમાં આવેલા આંતરિક માર્ગોના રીનોવેશનની કામગીરી તંત્ર દ્વારા શરૃ કરવામાં આવી છે ત્યારે આ કામગીરી અંતર્ગત માર્ગોને સમાંતર આવેલી ગટરો તુટવાની સમસ્યા ઠેર ઠેર ઉભી થઇ છે ત્યારે સેક્ટર-૫ના એ અને બી વિભાગમાં તાજેતરમાં માર્ગ બનાવવાની કામગીરી અંતર્ગત અસંખ્ય ગટરો તુટી જવા પામી છે. જેના પગલે ગટરમાં જતુ પાણી અટકી જવાના પગલે ઉભરાવા માંડયું છે. ત્યારે દુર્ગંધ યુક્ત ગટરના ગંદા પાણી સ્થાનિક વિસ્તારમાં ઉભરાતાં રહે છે અને રહિશો પણ ત્રસ્ત થઇ ગયાં છે જે અંગે વસાહત મંડળ દ્વારા તંત્રને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં તુટેલી ગટરોની મરામત શરૃ કરવામાં આવી નથી. જેથી આ માર્ગો ઉપર અવર જવર કરતાં વાહન ચાલકોને પણ બિસ્માર બનેલી ગટરોના પગલે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. તંત્ર દ્વારા રોડ બનાવવાની કામગીરી શરૃ કરવામાં આવી છે પરંતુ આયોજન પુર્વક નહીં કરતાં અનેક સમસ્યાઓ ઉભી થવા પામી છે. જેનો સામનો નગરજનોને કરવો પડી રહ્યો છે.