તા. ૧૯ને સોમવારના રોજ સમગ્ર ગોહિલવાડ પંથકમાં આસ્થાભેર તુલસી વિવાહની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ઠેર-ઠેર વિવિધ મંડળો, સંસ્થાઓ તથા યુવા ગૃપ દ્વારા તુલસી વિવાહના આયોજન કરવામાં આવ્યા છે. અને લગ્ન સ્થળે રંગઅરોશની સહિતના શણગાર કરવામાં આવી રહ્યા છે. જેમાં શહેરના ડાયમંડ ચોક મિત્ર મંડળ દ્વારા ડાયમંડ ચોકમાં વિશાળ રંગોળી બનાવવામાં આવેલ છે તો મારૂતિ ગૃપ દ્વારા ભરતનગર ખાતે ભવ્ય તુલસી વિવાહ યોજાશે. જેમાં આકર્ષક લાઈટ ડેકોરેશન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રિધ્ધિ-સિધ્ધિ મિત્ર મંડળ દ્વારા કાળીયાબીડ ખાતે તુલસી વૃંદા વિવાહનું આયોજન કરાયેલ છે. જેમાં આકર્ષક લાઈટ ડેકોરેશન સાથે કલાત્મક રંવોળી પણ બનાવાઈ છે. તેમજ માલધારી સોસાયટી ખાતે તેમજ ખાંડીયા કુવા ખોડિયાર મંદિર મિત્ર મંડળ સંસ્કાર મંડપ પાનવાડી, આનંદનગર, નિર્મળનગર, સુભાષનગર સહિત વિસ્તારોમાં તુલસી વિવાહના ભવ્ય આયોજન કરવામાં આવ્યા છે. જયારે તાલુકા મથકો તેમજ ગ્રામ્ય પંથકમાં પણ તુલસી વિવાહના વિશિષ્ટ આયોજનો કરાયેલ છે. જેની તૈયારીઓને આયોજકો દ્વારા આખરી ઓપ અપાઈ રહ્યો છે. આવતીકાલે રવિવારે અનેક સ્થળોએ વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે અને સોમવારે તુલસીવૃંદાના ઠાકોરજી સાથે ભવ્ય લગ્નોત્સવ યોજાશે.