મારૂતિ ઈમ્પેક્ષ, લાખાણી પરિવાર દ્વારા પિતાની છત્રછાયા ગુમાવી દીધેલી ર૮૧ દિકરીઓના સમુહ લગ્નોત્સવ તા. ૧૮ને રવિવારે યોજાનાર છે. જેમાં ગઈકાલે મહેંદી રસમ બાદ આજે લગ્ન સ્થળ જવાહર મેદાન ખાતે દાંડીયારાસનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તમામ દિકરીઓ તથા તેઓના પરિવાર સહિત આમંત્રીતો અને લાખાણી પરિવારે ઉપસ્થિત રહી દાંડીયારાસની રમઝટ બોલાવી હતી.
લાખાણી પરિવારના દિનેશભાઈએ આજે પત્રકાર પરિષદમાં તમામ તૈયારીઓ પુર્ણ થઈ હોવા સાથે સમુહલગ્નમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કર્ણાટકના રાજયપાલ વજુભાઈ વાળા, પરશોત્તમભાઈ રૂપાલા સહિત આગેવાનો ઉપસ્થિત રહેશે તેમ જણાવ્યું હતું આજે સમુહ લગ્નની પૂર્વ સંધ્યાએ યોજાયેલ દાંડીયારાસમાં તમામ દિકરીઓ તથા તેમના પરિવારજનો સાથે લાખાણી પરિવાર પણ જોડાયો હતો. આવતીકાલે સમુહ લગ્નમાં વિવિધ ૩પ કમિટિઓ બનાવાઈ છે અને પાંચ હજાર જેટલા સ્વયંસેવકો જહેમત ઉઠાવી રહ્યા છે. તેમ દિનેશભાઈએ જણાવ્યું હતું અને ભાવનગર છોડી અન્ય જગ્યાએ સ્થાયી થયેલા લોકોને ભાવનગર પાછળ નથી તેવો અહેસાસ થાય અને તેઓ પણ શહેર માટે કાંઈક કરે તેવી આશા વ્યકત કરી હતી.