ઓછો વરસાદ ધરાવતા વધુ ૪૫ તાલુકા અછતગ્રસ્ત જાહેર

7824

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે. કે ખેડુતોના હિતને વરેલી રાજ્ય સરકારે આજે વધુ એક કિસાન લક્ષી નિર્ણય કર્યો છે. રાજ્ય માં ૨૫૦ થી ૪૦૦ મી.મી.નો વરસાદ થયો હોય તેવા ૪૫ તાલુકાના ખેડુતો માટે રૂ.૧૩૦૦ કરોડનું ખાસ સહાય પેકેજ જાહેર કર્યુ છે. જેમાં અંદાજે ૨૦ લાખ ખેડુત ખાતેદારોને આ સહાય નો લાભ મળશે.  ચાલુ વર્ષે રાજ્યમાં જે વિસ્તારોમાં ઓછો વરસાદ થયો છે. તેવા વિસ્તારના ખેડુતોને-પશુપાલકોને મદદરૂપ થવા માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ખાસ ધ્યાન કેન્દ્રીત કરીને અનેક વિધ કિસાન લક્ષી નિર્ણયો કર્યા છે. આ માટે મારી સાથે મહેસુલ મંત્રી કૌશિકભાઇ પટેલ, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સહીત મંત્રી મંડળની સબ કમિટીની રચના અછત માટે કરી છે. આમ અગાઉ રાજ્ય સરકારે ૫૧ તાલુકા અછતગ્રસ્ત જાહેર કર્યા હતા પરંતુ ઓછો વરસાદ ધરાવતા વિસ્તારના સાંસદસભ્યો, ધારાસભ્યો અને ખેડુત અગ્રણી દ્વારા મળેલ રજુઆતો ને ધ્યાને લઇ ને આ ૪૫ તાલુકાઓના ખેડુતો ને મદદરૂપ થવા માટે આ ખાસ સહાય પેકેજ જાહેર કર્યુ છે. અગાઉ ૨૫૦ મી.મી. થી ઓછો વરસાદ ધરાવતાં ૫૧ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરાયા છે તે તાલુકાના ખેડૂતોને રૂ.૫૧૦૦ કરોડ તથા હવે આ ખાસ પેકેજથી જાહેર કરાયેલા નવા ૪૫ તાલુકાઓના ખેડૂતોને રૂ.૧૩૦૦ કરોડ મળી કુલ ૯૬ તાલુકાના ખેડુતો-પશુપાલકો ને રૂ.૬૪૦૦ કરોડની સહાય ચુકવાશે.

રાજ્ય સરકાર દ્વારા આ ૪૫ તાલુકાઓ માટે જે સહાય પેકેજ જાહેર કર્યુ છે. તે અત્યાર સુધીના ઇતિહાસમાં સૌ પ્રથમ વાર જાહેર કરાયુ છે. જેનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર પોતાના ફંડ માંથી કરશે. આ પેકેજ અંતર્ગત ખેડુતો ને વધુમાં વધુ ૨ હેકટર  દિઠ ઉચ્ચક સહાય ચુકવાશે. જેમાં ૨૫૦ થી ૩૦૦ મી.મી વરસાદ થયો હોય તેવા ૧૪ તાલુકાના ખેડુતોને હેકટર દીઠ રૂ.૬૩૦૦, ૩૦૦ થી ૩૫૦ મી.મી.વરસાર થયો હોય તેવા ૧૨ તાલુકાના ખેડુતોને હેકટર દીઠ રૂ.૫૮૦૦ તથા ૩૫૦ થી ૪૦૦ મી.મી.વરસાદ થયો હોય તેવા ૧૯ તાલુકાઓના ખેડુતોને હેકટર દીઠ રૂ.૫૩૦૦ ની ઉચ્ચક સહાય ચુકવામાં આવશે.  રાજ્યના અમદાવાદ જિલ્લાના ૬ તાલુકા, મોરબી જિલ્લાના ૨ તાલુકા, ગાંધીનગર જિલ્લાના ૩ તાલુકા, રાજકોટ જિલ્લાના ૬ તાલુકા, દેવ ભુમિદ્વારકા જિલ્લાનો ૧ તાલુકો, મહેસાણા જિલ્લાના ૫ તાલુકા, બનાસકાંઠા જિલ્લા ૪ તાલુકા, વડોદરા જિલ્લાના ૨ તાલુકા, અમરેલી જિલ્લાના ૩ તાલુકા, સુરેન્દ્રનગર જિલ્લાના૩ તાલુકા, ભાવનગર જિલ્લાના ૩ તાલુકા, બોટાદ જિલ્લાના ૩ તાલુકા અને પાટણ, જામનગર, ભરૂચ, મહિસાગર, માંથી એક-એક તાલુકાઓ નો સમાવેશ કરાયો છે. આ તાલુકાઓના ૨૦,૦૦૦ થી વધુ ખેડુત ખાતેદારોને આ પેકેજનો લાભ મળશે.

વલ્લભીપુર, ઉમરાળા અને સિહોર અછતગ્રસ્ત જાહેર

નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ દ્વારા રાજયના જિલ્લાઓના તાલુકાઓ અછતગ્રસ્ત જાહેર કરાયા છે. તેમાં ભાવનગર જીલ્લાના વલભીપુર, ઉમરાળા અને સિહોર તાલુકાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેનાથી આ ત્રણેય તાલુકાને લાભ મળશે.

Previous articleગોહિલવાડમાં તુલસી વિવાહની તડામાર તૈયારીઓ
Next articleસ્વામી લીલાશાહ મહારાજનો આજે ૪૫મો વરસી ઉત્સવ