જો રૂટની આગેવાનીમાં ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે શ્રીલંકામાં મોટી સિદ્ધિ મેળવી છે. આ ટીમે શ્રીલંકામાં ૧૭ વર્ષ બાદ ટેસ્ટ શ્રેણી જીતી છે. ઈંગ્લેન્ડે છેલ્લે શ્રીલંકાને તેના ઘરમાં ૨૦૦૧માં હરાવ્યું હતું.
સાંગાકારા અને જયવર્ધનેની નિવૃતી બાદ શ્રીલંકાની ટીમનું પ્રદર્શન કથળી ગયું છે અને આ કારણે ઈંગ્લેન્ડે ૧૭ વર્ષ બાદ શ્રીલંકાને ઘરઆંગણે હરાવીને શ્રેણી જીતી લીધી છે.
કેન્ડીમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં જીતની સાથે ઈંગ્લેન્ડે ૩ મેચોની ટેસ્ટ શ્રેણીમાં ૨-૦ની અજેય લીડ મેળવી લીધી છે. જેક લીચે પાંચ વિકેટની મદદથી ઈંગ્લેન્ડે પાંચમાં અને અંતિમ દિવસે શ્રીલંકાને ૫૭ રને હરાવી દીધી હતું.
પાંચમાં દિવસે ઈંગ્લેન્ડે માત્ર ૩૦ મિનિટમાં શ્રીલંકાની બાકી ત્રણ વિકેટ ઝડપીને જીત મેળવી હતી. સ્પિનર લીગ (૮૩ રન પર પાંચ વિકેટ) મલિંદા પુષ્પકુમાર (૧)ને આઉટ કરીને લંકાની ઈનિંગનો અંત કર્યો હતો. મોઈન અલીએ પણ ૭૨ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી.
શ્રીલંકાની ટીમ ૩૦૧ રનના લક્ષ્યનો પીછો કરતા અંતિમ દિવસે ૨૪૩ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ તરફથી એન્જેલો મેથ્યૂસ (૮૮) અને દિમુથ કરૂણારત્ને (૫૭)એ અડધી સદી ફટકારી જ્યારે રોશન સિલવા (૩૭) અને નિરોશન ડિકવેલા (૩૫) રન બનાવ્યા હતા.
દક્ષિણ આફ્રિકામાં ૨૦૧૫-૧૬માં જીત બાદ વિદેશની ધરતી પર ઈંગ્લેન્ડની આ પ્રથમ જીત છે. મેચમાં લીચ, મોઇન અલી અને આદિલ રાશિદની સ્પિન તિકડીએ ૨૦માંથી ૧૯ વિકેટ ઝડપી. કેપ્ટન રૂટે પણ ટીમની જીતમાં મહત્વની ભૂમિકા નિભાવતા બીજી ઈનિંગમાં ૧૨૪ રન બનાવ્યા હતા. શ્રેણીની ત્રીજી અને અંતિમ ટેસ્ટ ૨૩ નવેમ્બરથી કોલંબોમાં રમાશે.