મહેસાણા જિલ્લામાં સહકાર સપ્તાહ સંમેલન યોજાયું : મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિ

771

મુખ્યમંત્રી મહેસાણા દૂધસાગર ડેરીમાં સહકાર ભારતી આયોજિત સહકાર સપ્તાહ અને સ્નેહ મિલન અવસરે સંબોધન કરી રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિત સહકારી ક્ષેત્રના અગ્રણીઓ અને સહકાર ભારતીના પદાધિકારીઓ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, સહકારી પ્રવૃતિ સૌના સાથ સૌના વિકાસને સાકાર કરે છે. છેવાડાના માનવી ગ્રામીણ ગરીબ વંચીત સુધી વિકાસના ફળો પહોંચાડવામાં સહકાર ક્ષેત્ર મહત્વનું બન્યું છે. અમુલ, બનાસ, દુધસાગર જેવી માઇલસ્ટોન સંસ્થાઓની વિવિધ પ્રવૃત્તિઓથી સહકાર ક્ષેત્રને વેગ મળ્યો છે. સહકારના માળખામાં પ્રમાણિકતા, મુલ્યનિષ્ઠતા રહેલી છે. મહેસાણા જિલ્લો સહકારી ક્ષેત્રે અગ્રણી જિલ્લો છે અને આ જિલ્લાએ અનેક સહકારી નેતાઓ આપ્યા છે તેમ પણ ઉમેર્યું હતું. સહકારી પ્રવૃતિઓ થકી શ્રેષ્ઠ ગુજરાતના નિર્માણ માટે આગળ આવવા સહકારી અગ્રણીઓને તેમણે અપીલ કરી હતી

નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે, સહકાર રાજ્યના વિકાસ માટે મહત્વનું પરિબળ છે. સહકારી પ્રવૃતિઓ થકી સમાજલક્ષી પ્રવૃતિઓ થઇ રહી છે. રાજ્ય સરકાર સતત ખેડુતોની ચિંતા કરી રહી છે. રાજ્ય સરકારે ૪૦૦ મિમિ વરસાદવાળા તાલુકાઓમાં વિશેષ પેકેજ જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે આ સરકારે ખેડૂતોના હિતમાં રાજ્યની સ્થાપના બાદ સૌથી મોટી જાહેરાત કરેલ છે. જેમાં હેકટર દીઠ ધારાધોરણ મુજબ રૂ. ૬૩૦૦, ૫૮૦૦ અને ૫૩૦૦ રૂપિયાનું પેકેજ જાહેર કરેલ છે. મહેસાણા જિલ્લામાં કડી, મહેસાણા, બેચરાજી, વડનગર અને વિજાપુર તાલુકાને પસંદ કરાયા છે. મહેસાણા જિલ્લામાં ૮૪,૯૩૯ જેટલા ખાતેદારોને લાભ મળવાનો છે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ખેડુતોને ૨ રૂપિયે કિલો ઘાસ અપાય છે જે રાજ્ય સરકારને ૧૨ થી ૧૪ રૂપિયે પડે છે. ખેડુતોને ૧૦ કલાક વીજળી આપી જેમાં રાજ્ય સરકાર રૂ.૮૦૦ કરોડની સબસડી ખેડુતોને આપી રહી છે. આ રકમ ખેડુતો વતી સરકાર વીજકંપનીને આપે છે. સહકાર સપ્તાહ સહકારી પ્રવૃતિઓનું એક પવિત્ર પર્વ છે. આંતરાષ્ટ્રીય સહકારી સંઘ દ્વારા આ સપ્તાહનું આયોજન કરવામાં આવે છે.

સહકાર સપ્તાહમાં સહકારી પ્રવૃતિઓની સિદ્ધિ, સમસ્યાઓ અને ઉકેલ વિગેરેની સમીક્ષા કરી ભાવિ વિકાસ કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવી હતી. સહકાર સપ્તાહ દ્વારા સહકારી સિદ્ધાંતો, મૂલ્યોને વિશેષ જાણકારી આપી સભાસદોને માર્ગદર્શીત કરવામાં આવે છે. દર વર્ષે ૧૪ નવેમ્બરથી ૨૦ નવેમ્બર દરમિયાન સહકાર સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત આ ઉજવણી કરવામાં આવી હતી.

મહેસાણા જિલ્લામાં આયોજીત સહકાર સપ્તાહમાં રૂ.૧૧ લાખનો ચેક દેશના સેનાના જવાનોના કલ્યાણ માટે આર્મી વેલ્ફેર ફંડમાં મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અકસ્માતમાં મૃત્યુ પામેલ સભાસદોના ૧૮ વારસદારોને કુલ ૧૮ લાખના ચેક વારસદાર દીઠ રૂ.૧ લાખ પ્રમાણે ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં રાજ્યના રજિસ્ટ્રાર નલીન ઉપાધ્યાય, અગ્રણી કે.સી.પટેલ, ધારાસભ્ય રમણભાઇ પટેલ, કરશનભાઇ સોંલકી, સહકારી અગ્રણીઓ, અધિકારીઓ અને સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleનર્મદા નિગમનો ભ્રષ્ટાચાર ખુલ્યો : ક્લાસ વન ઓફિસર સામે અપ્રમાણસર મિલકતનો ગૂનો દાખલ
Next articleગ્રેનેડ હુમલા બાદ ગુજરાતમાં પણ સલામતી વધારે મજબૂત