જમ્મુ કાશ્મીરમાં અથડામણમાં બે ખૂંખાર આતંકવાદીઓ ઠાર

734

જમ્મુ કાશ્મીરના સોપિયનમાં આજે સવારે અથડામણમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કરી દીધા હતા. જમ્મુ કાશ્મીર પોલીસના કહેવા મુજબ ત્રાસવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટકોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. માર્યા ગયેલા બે આતંકવાદીઓની ઓળખ સોપિયાના નવાઝવાગે અને પુલવામાના યાવરવાલી તરીકે થઇ છે. બંને ત્રાસવાદી અલબદર સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે.

જમ્મુ કાશ્મીર પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ આજે વહેલીપરોઢે જયનાથપુરા વિસ્તારમાં આ અથડામણ થઇ હતી. આ વિસ્તારમાં આતંકવાદીઓ હોવા અંગેની માહિતી મળ્યા બાદ વિશ્વસનીય સૂચનાના આધાર પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ગાળા દરમિયાન બંને તરફથી અથડામણનો દોર શરૂ થયો હતો. પોલીસના કહેવા મુજબ બે ત્રાસવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. અન્ય કેટલાક આતંકવાદીઓ છુપાયેલા હોવાને ધ્યાનમાં લઇને સર્ચ ઓપરેશન તીવ્ર કરવામાં આવ્યું છે. સોપિયન જિલ્લામાં ત્રાસવાદીઓએ ગઇકાલે એક કિશોરની ગળુ દબાવીને હત્યા કરી નાંખી હતી. સોપિયન જિલ્લા અને આસપાસના વિસ્તારોના સ્થાનિક ત્રાસવાદીઓ સક્રિય થયા હોવાના અહેવાલ હાલમાં મળી રહ્યા છે. સેના અને સુરક્ષા દળો દ્વારા જમ્મુ કાશ્મીરના જુદા જુદા વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા ઓપરેશન ઓલઆઉટના કારણે હજુ સુધી લશ્કરે તોઇબા અને જૈશે મોહમ્મદના ખૂંખાર ત્રાસવાદીઓ સહિત સેંકડો ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. ત્રાસવાદી સંગઠનોની કમર તોડી દેવામાં આવી છે.

Previous articleઉત્તરાખંડમાં બસ ખીણમાં ખાબકતા ૧૧ના મોત, ૧૪ ઘાયલ
Next articleઅંતે મરાઠા અનામતનો માર્ગ મોકળો : બિલને મંજુરી મળી