તળાજા તાલુકાના જુના સાંગાણા ગામે જગદિશસિંહ પ્રભાતસિંહ સરવૈયાની વાડીમાં વહેલી સવારે ૪-૪પ કલાકે ૧૦૦ ફુટ ઉંડા કુવામાં દિપડો ખાબકતા વન વિભાગને પણ કરતા તળાજા વન વિભાગમાં સ્ટાફે દિપડાનું રેસ્કયુ કરીને બહાર કાઢી પાંજરે પુરી સારવાર અર્થે એનીમલ કેર સેન્ટરમાં લઈ જવાયો હતો.
બનાવ અંગે મળતી વિગતો મુજબ જુના સાંગાણા ખાતે વહેલી સવારે ૪-૪પ કલાકે જગદિશસિંહ સરવૈયાની વાડીમાં ૧૦૦ ફુટ ઉંડા કુવામાં દિપડો ખાબકયો હતો જેની જાણ તળાજા આરએફઓને કરાતા તેની સુચનાથી તળાજા વનપાલ જી.એલ. વાઘેલા અને ખુંટવડા વનપાલ એમ.કે.વાઘેલા, ટ્રેકર હીરાભાઈ રેસ્કયુ ડ્રાઈવર ભુપતભાઈ સહિત રેસ્કયુ વાન સાથે સ્થળ ઉપર પહોંચ્યા હતા અને તપાસ કરતા ૧૦૦ ફુટ ઉંડા કુવામાં દિપડો પડ્યો હતો ત્યારે તમામ સ્ટાફે સુરક્ષીત રીતે કુવામાંથી દિપડાને રેસ્કયુ કર્યો હતો. અને પાંજરે પુર્યો હતો.
આ સમયે વેટરનરી ડો. જે.પી.દેસાઈ તથા રેન્જ ફોરેસ્ટ ઓફિસર કુ. કે.એમ. જોશી પણ સ્થળ પર પહોંચ્યા હતા અને દિપડાને પ્રાથમિક સારવાર આપીને એનીમલ કેર સેન્ટરમાં લઈ જઈ સારવાર અપાઈ હતી.