ગત વર્ષે રંઘોળા નજીક જાન લઈને જતો ટ્રક પુલ પરથી ખાબકતા ૪૦ ઉપરાંત જાનૈયાઓના મૃત્યુ થતા ખળભળાટઠ મચી જવા પામ્યો હતો અને તંત્ર દ્વારા માલવાહક વાહનોમાં મુસાફરોની હેરફેર કે જાન લઈ જવા પર મનાઈ ફરમાવવામાં આવી હતી અને તે સમયે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જાન માટે રાહતદરે એસ.ટી. સુવિધા શરૂ કરવામાં આવેલ છતા આજે જવાહર મેદાન ખાતે યોજાયેલા સમુહ લગ્નમાં ૭૦ ટકા થી વધુ જાન ટ્રક અને ટેમ્પામાં આવી હતી. મુખ્યમંત્રી સહિત મંત્રીઓ, વિપક્ષના નેતાની ઉપસ્થિતિ હોવા છતા આરટીઓ કે ટ્રાફિક પોલીસ દ્વારા આવા વાહનો સામે કોઈ કાર્યવાહી કરી ન હતી. નવાઈની વાત તો એ છે કે આરટીઓ દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામેલાઓને શ્રધ્ધાંજલી આપવા ઉપરાંત ટ્રાફીક જાગૃતિ અંગેનો ત્રિદિવસીય કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે અને આજે રવિવારે સાંજે રંઘોળા જાનના ટ્રકના અકસ્માતમાં મૃત્યુ પામેલાઓને શ્રધ્ધાંજલી આપવાનો કાર્યક્રમ રંઘોળા ખાતે યોજવામાં આવ્યો હતો અને લોકોને ટ્રક કે ટેમ્પો અને ટ્રેક્ટર સહિતના માલવાહક વાહનમાં મુસાફરી ન કરવા સલાહ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તો બીજી તરફ મુખ્યમંત્રી સહિતની ઉપસ્થિતિમાં યોજાયેલા સમુહ લગ્નમાં તમામ નિયમોને નેવે મુકી ટ્રક અને ટેમ્પોમાં ખીચોખીચ જાનૈયા ભરેલા વાહનો આવી પહોંચ્યા હતા અને તેની સામે કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવી ન હતી ત્યારે જો એક પણ વાહનનો અકસ્માત થાય તો જવાબદાર કોણ ? તેવા સવાલો પણ ઉઠવા પામ્યા હતા. મારૂતિ ઈમ્પેક્ષ-લાખાણી પરિવાર દ્વારા પોતાની સારી ભાવના સાથે પિતાની છત્રછાયા ગુમાવેલી ર૮૧ દિકરીઓના ભવ્યાતિભવ્ય સમુહ લગ્નોત્સવ કરાવાયા છે ત્યારે જો નાનકડો પણ અકસ્માત થાય તો તેના પર પણ કાળી ટીલી લાગી જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામેલ ત્યારે લગ્ન કરવા આવનાર વર પક્ષે પણ થોડાક નાણાનો બચાવ કરવા માટે ટ્રક અને ટેમ્પામાં જાન લાવવાના બદલે એસ.ટી.ની રાહતદરની સેવાનો લાભ લેવો જોઈએ અને લોકોની જીંદગી જોખમમાં મુકવી જોઈએ નહીં તેવી પણ ચર્ચાઓ થઈ રહી હતી.
લોકો જાન માટે એસ.ટી. બસનો લાભ લઈ શકે છે : પરમાર
ભાવનગર એસ.ટી. ડીવીઝનના વિભાગીય નિયામક પરમારે લોકસંસાર સાથે કરેલી ટેલીફોનિક વાતચીતમાં લગ્ન પ્રસંગે જાન માટે એસ.ટી.ની રાહતદરની સુવિધા ઉપલબ્ધ છે અને તેના માટે ૪૦ કિ.મી. સુધીમાં રૂા.૧ર૦૦, ૮૦ કિ.મી. સુધીમાં રૂા.ર૦૦૦ અને ૧ર૦ કિ.મી. સુધીમાં માત્ર રૂા.૩૦૦૦ છે ત્યારે લગ્ન પ્રસંગે જાનમાં લોકો એસ.ટી.ની સુવિધાઓ લાભ લઈ શકે છે.
સ્ટાફની અછત છે, આખો જિલ્લો સંભાળવાનો
હોય : અંકિત પટેલ
માલવાહક વાહનો ટ્રક, ટેમ્પા, ટ્રેક્ટરોમાં આજે પણ મુસાફરો અને જાનની હેરાફેરી થાય છે તેની સામે કાર્યવાહી કરાય છે કે કેમ તેના જવાબમાં ભાવનગર આરટીઓના ઈન્સ્પેક્ટર અંકિત પટેલે લોકસંસારને જણાવેલ કે કાર્યવાહી શરૂ છે જ્યારે સમુહ લગ્નમાં આવા વાહનો સામે કાર્યવાહી અંગે પૂછતા તેમણે જણાવેલ કે તે કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓ હાજર હોય અને જો કાર્યવાહી કરીએ તો માહોલ બગડે તેવી પરિસ્થિતિ સર્જાય તેમ જણાવવા સાથે અમારી પાસે સ્ટાફ પણ ઓછો હોવાનું જણાવેલ અને શહેરમાં ટ્રાફિક પોલીસ પણ કામગીરી કરી શકે છે તેમ બચાવમાં જણાવેલ. જ્યારે ટ્રાફિક શાખામાં ફોન કરતા ફોન રીસીવ થયો ન હતો.