શહેરના જવાહરમેદાન ખાતે મારૂતિ ઈમ્પેક્ષ, લાખાણી પરિવાર દ્વારા પિતાની છત્રછાયા ગુમાવેલી સર્વજ્ઞાતિયની ર૮૧ દિકરીઓના ભવ્ય સમુહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં ઉપસ્થિત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સુરેશભાઈ લાખાણી અને દિનેશભાઈ લાખાણીને શુભેચ્છા પાઠવી અને લાખાણી પરિવારે સામાજીક દાયીત્વ નિભાવ્યું હોવાનું જણાવ્યું હતું.
લાખાણી પરિવાર આયોજીત લાડકડી સમુહ લગ્નમાં ભવ્ય ઝાકમઝોળ કરવામાં આવી હતી અને એકપણ દીકરીને પિતાની કમી લાગે નહીં તેવું ભવ્ય આયોજન કરવા સાથે ભરપુર કરીયાવર આપવામાં આવ્યો હતો. આજે સમુહ લગ્નોત્સવમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી, મંત્રી મનસુખભાઈ માંડવીયા, વિભાવરીબેન દવે, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, વિધાનસભા વિપક્ષનેતા પરેશ ધાનાણી, કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા શક્તિસિંહ ગોહિલ, ધારાસભ્ય કનુભાઈ બારૈયા, મેયર મનહરભાઈ મોરી, જીલ્લા પંચાયત પ્રમુખ વકતુબેન મકવાણા, શહેર ભાજપ પ્રમુખ સનતભાઈ મોદી, કલેકટર હર્ષદ પટેલ, કમિશ્નર ગાંધી, ડીડીઓ બરનવાલ, એસ.પી. તેમજ પંજાબનાં આર્મીના અધિકારી મનીન્દરસિંઘ બીટા ખોડલધામના નરેશ પટેલ, સુરતમાં સમુહલગ્ન કરાવતા મહેશભાઈ સવાણી, સહિત હીરા ઉદ્યોગના અગ્રણી તેમજ વિવિધ ઉદ્યોગપતિઓ તમામ સમાજના આગેવાનો, આમંત્રીતો સહિત રાજકીય સામાજીક આગેવાનો, સાધુ-સંતો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા અને સમુહલગ્નના આયોજક લાખાણી પરિવાર તથા લગ્નમાં જોડાનાર તમામ દંપતિઓને શુભેચ્છા પાઠવી હતી.
મૂખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લાખાણી પરિવારના પિતાની છત્રછાયા ગુમાવેલી દિકરીઓના સમુહ લગ્નના આયોજનને બિરદાવ્યું હતું અને લાખાણી પરિવારે સામાજીક દાયીત્વ નિભાવ્યું હોવાનું જણાવી. ગુજરાતમાં હજુ આવા આયોજનો કરવા પ્રેરણા આપી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગત વર્ષે રંઘોળા નજીક જાનૈયા ભરેલા ટ્રકને નડેલા અકસ્માતનો ઉલ્લેખ કર્યો હતો અને તેમાં મૃત્યુ પામેલા ૪૦ ઉપરાંત લોકોને શ્રધ્ધાંજલિ આપી હતી અને ફરી આવી ઘટના ન બને તેવી તકેદારી રાખવા તંત્રને સુચના આપી હતી.
સમુહ લગ્નમાં ૧૦ મુસ્લિમ કન્યાઓના મુસ્લિમ રીતી રિવાજ તેમજ ર ક્રિષ્ચન તેમની રીતી રિવાજ મુજબ જયારે અન્ય તમામ કન્યાઓમાં હિંદુ શાસ્ત્રોકત વિધિ પ્રમાણે લગ્ન કરાવાયા હતાં. આ સમારોહમાં એકાદ લાખ જેટલા લોકો ઉમટી પડ્યા હતાં. અને તમામ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે ભાવનગરમાં પ્રથમવાર આવા ભવ્ય સમુહલગ્ન થયા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.