બે દિવસ પહેલા રોજર ફેડરરનું ૧૦૦માં ટાઇટલનું સપનું તોડનાર એલેક્જેન્ડર જ્વેરેવ વર્ષની અંતિમ ટેનિસ ટૂર્નામેન્ટ એટીપી ફાઇનલ્સનો નવો ચેમ્પિયન બની ગયો છે. તેણે ફાઇનલમાં વર્લ્ડ નંબર-૧ નોવાક જોકોવિચને હરાવ્યો હતો. એલેક્જેન્ડર જ્વેરેવે ૨૩ વર્ષનો દુકાળ પૂરો કરીને જર્મની માટે એટીપી ફાઇનલ્સનું ટાઇટલ જીત્યું છે. આ પહેલા ૧૯૯૫માં જર્મન સ્ટાર બોરિસ બેકરે આ ટૂર્નામેન્ટ જીતી હતી.
૨૧ વર્ષનો એલેક્જેન્ડર જ્વેરેવે રવિવારે રાત્રે રમાયેલી ફાઇનલમાં સર્બિયાના સ્ટાર ખેલાડી નોવાક જોકોવિચને સીધા સેટોમાં ૬-૪, ૬-૩થી હરાવ્યો. આ વર્ષે બે ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતનાર જોકોવિચે આ ટૂર્નામેન્ટમાં ગ્રુપ સ્તરના મેચમાં જ્વેરેવને હરાવ્યો હતો. છેલ્લા રેકોર્ડ, ફોર્મ અને રેન્કિંગ પ્રમાણે જોકોવિચને જીતનો દાવેદાર માનવામાં આવતો હતો, પરંતુ જ્વેરેવે ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરીને બાજી મારી હતી. તેણે ટાઇટલ જીતની સાથે એટીપી ફાઇનલ્સની ટ્રોફી અને ૨૦ લાખ પાઉન્ડની ઈનામી રકમ મેળવી હતી.
એલેક્જેન્ડર જ્વેરેવે આ ટૂર્નામેન્ટમાં ટાઇટલ જીતનાર સૌથી યુવા ચેમ્પિયન બની ગયો છે. તેણે ૨૧ વર્ષની ઉંમરમાં આ સિદ્ધિ મેળવી છે. આ પહેલા આ રેકોર્ડ નોવાક જોકોવિચના નામે હતો. જ્વેરેવનું ૨૦૧૮માં આ ત્રીજું ટાઇટલ છે અને કરિયરનું નવું છે. તેણે કહ્યું, હું ખુબ ખુશ છું, નિશ્ચિત રીતે આ મારા કરિયરનું સૌથી મોટું ટાઇટલ છે. હું જે રીતે રમ્યો અને જીત મેળવી તે શાનદાર છે.