માણસા શહેરમાં કલોલ રોડ પર આવેલી સો મીલમાં વહેલી પરોઢે અગમ્ય કારણોસર આગ લાગી હતી. જે ધીમે ધીમે થઈ લાતીમાં પડેલા લાકડાના જથ્થામાં પ્રસરતા આગની જવાળાઓ નીકળવા લાગી હતી. આગને ત્યાં રહેતા મજૂરોએ જોતા તેઓએ તુરત માલિકને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા. પાલિકાની ફાયર બ્રિગેડને તુરંત બોલાવી લેવાતા અને તેઓએ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. પરંતુ ત્યાં સુધી લાખો રૂપિયાનું લાકડું બળીને ખાક થઇ ગયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર માણસા કલોલ રોડ પર શંકર વિજય સો મીલ અને તેમાં ચાલતી તેની પેટા શાખા તિરૂપતિ ટ્રેડર્સની જગ્યામાં વહેલી પરોઢે સાડા ચાર વાગ્યાના સુમારે અગમ્ય કારણોસર લાગેલી આગની જવાળાઓ પર સો મીલમાં રહેતા મજૂરોની નજર પડતા તેઓએ આ બાબતે તુરત જ તેમના માલિક ધર્મેશભાઈને જાણ કરી હતી. તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાલિકાની ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ સાથે સ્થળ પર પહોંચીને પાણીનો મારો ચલાવી અન્ય જગ્યાએ આગ ન પ્રસરે તે માટે સઘન પ્રયત્નો કરી આગને કાબૂમાં લીધી હતી. પરંતુ ત્યાં સુધીમાં ત્યાં રહેલું આશરે પાંચથી છ લાખ જેટલી કિંમતનું લાકડું બળીને ખાખ થઇ ગયું હતું.