મહારાષ્ટ્ર કેબિનેટે મરાઠા સમાજ માટે અનામત મામલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. મહારાષ્ટ્ર કેબિનેટ મંત્રીમંડળે પાછલા રવિવારે પછાત આયોગની ભલામણનો સ્વીકાર કરી લીધો છે. હવે મરાઠા સમાજને જીઈમ્ઝ્ર સામાજિક, શૌક્ષણિક પછાત વર્ગ બનાવીને અનામત આપવામાં આવશે. મરાઠા સમાજને અલગ-અલગ જૂથમાં અનામત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંત્રીમંડળે આયોગની ત્રણ ભલામણને મંજૂરી આપી દીધી છે, અને મરાઠાઓને વિભિન્ન કોટામાં આરક્ષણ આપવામાં આવશે.
ખેર, મહારાષ્ટ્રમા મરાઠા સમાજને તો અનામત મળી ગઈ છે, પરંતુ આ નિર્ણય આવતાની સાથે જ ગુજરાતના પાટીદાર સમાજ ભડકી ઉડ્યું છે. તે ઉપરાંત કોંગ્રેસ અને પાસના આગેવાનો આને લઈને અલગ-અલગ નિવેદન આપી ચૂક્યા છે. મરાઠા અનામતને લઈને પોતે ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પણ કહ્યું હતુ કે, પાટીદારોને અનામત આપવા માટે અમે પણ સર્વે કરાવીશું.
એક વખત કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસંહ ગોહિલે ભાજપા સરકાર પર ટોણો મારતા કહ્યું છે કે, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભાજપાની જ સરકાર છે, તેને ગુજરાતમાં પાટીદારોને અનામત આપવી જ હતી તો ગમે તે રીતે આપી શકતા હતા. જોકે, ભાજપાને અનામત કે બિન અનામતમાં રસ નથી. શક્તિસિંહે કહ્યું કે, ભાજપાને રામ કે રહીમ માં નહી માત્ર વોટ બેંકમાં જ રસ છે. તે ઉપરાંત હાર્દિક પટેલે અનામતને લઈને આજે એક ચોકાવનારો ખુલાસો કરતાં ગુજરાતમા ખળભળાટ મચી ગયો હતો. ૨૫મી ઓગસ્ટ, ૨૦૧૫ના રોજ પાટીદાર અનામત આંદોલન સમયે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર થયેલા પોલીસ દમનને લઈને આજે કોર્ટમાં હાર્દિક પટેલ હાજર રહ્યો હતો.
મેટ્રો કોર્ટ નંબર ૨૩માં આપેલા જુબાનીમાં સિનિયર પોલીસ અધિકારી પર ગંભીર આક્ષેપ કરતા હાર્દિકે જણાવ્યું હતું કે, જીએમડીસી ગ્રાઉન્ડમાં થયેલો લાઠીચાર્જ જલિયાંવાલા બાગથી કમ નથી. દરમિયાન મંચ પર આંદોલન કરવા આવેલી ૨૮ વર્ષની મહિલાને સેક્ટર-૧ના રાજીવ રંજને કહ્યું હતું કે, ‘અનામત જોઈતી હોય તો મારી પાસે સુવા આવવું પડે’. હાર્દિકે કરેલા આ આક્ષેપો બહુ ગંભીર છે, જેની પુષ્ટિ કોર્ટની બહાર પણ હાર્દિકે કરી હતી.