રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં નામાંકન દાખલ કરવાનો અંતિમ દિવસ હતો. કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ સચિન પાયલોટ ટોંક ખાતેથી ઉમેદવારી પત્ર દાખલ કરવાના છે. તો નામાંકનના અંતિમ દિવસે ભાજપે મોટો દાવ ખેલતા સચિન પાયલોટ વિરુદ્ધ ટોંક ખાતેથી વસુંધરા રાજે સરકારમાં મંત્રી રહેલા યૂનુસ ખાનને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે.
ટોંકમાં મુસ્લિમ મતદારોની સંખ્યા સૌથી વધારે છે અને કોંગ્રેસ ત્યાં એ જ સમાજના ઉમેદવારને ઉતારતી આવી છે. પરંતુ આ વખતે કોંગ્રેસે સચિન પાયલોટને અહીંયાથી ઉમેદવાર બનાવ્યાં છે. તો ભાજપે ટોંકથી અજિત મહેતાની ટિકિટ કાપીને તેમના સ્થાને યૂનુસ ખાનને પાયલોટ વિરુદ્ધ મેદાનમાં ઉતાર્યાં છે.
જોકે સૂત્રોના જણાવ્યા અનુસાર યૂનુસ ખાન ટોંકથી ચૂંટણી લડવા ઇચ્છુક નહોતા. તેઓ ડીંડવાનાથી ચૂંટણી લડવા માંગતા હતાં.
આ વખતની રાજસ્થાનની વિધાનસભા ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળી રહી છે. નામાંકનના છેલ્લા દિવસ સુધી પણ બંને પાર્ટીઓએ ૨૦૦ વિધાનસભા બેઠકો ઉપર ઉમેદવારો ઉતાર્યાં નથી. કોંગ્રેસે હજુ સુધી મહુવા બેઠક માટે ઉમેદવાર જાહેર કર્યાં નથી. તો ભાજપે પણ ચાર બેઠકો ઉપર ઉમેદવારોની જાહેરાત રોકી રાખી છે.