ભાવનગર જિલ્લાની ૭ બેઠકો પૈકી અગાઉ જાહેર થયેલા ભાજપના ૪ ઉમેદવારો સોમવારે અને મંગળવારે અંતિમ દિવસે ઉમેદવારી પત્રો ભરશે. જ્યારે બાકી રહેલી ત્રણ બેઠકો માટે પણ નામો જાહેર થયા બાદ તુરંત ઉમેદવારીપત્રો ભરાશે. જેમાં અગાઉ જાહેર કરાયેલ ભાવનગર પૂર્વ બેઠકના ભાજપના ઉમેદવાર વિભાવરીબેન દવે સોમવારે પોતાનું ઉમેદવારીપત્ર ભરશે. જ્યારે ભાવનગર પશ્ચિમમાંથી વર્તમાન ધારાસભ્ય અને પ્રદેશ પ્રમુખ એવા જીતુભાઈ વાઘાણી અને ભાવનગર ગ્રામ્ય બેઠક પરથી રાજ્યના મંત્રી અને ધારાસભ્ય પરશોત્તમભાઈ સોલંકી મંગળવારે વિજય મુર્હુતમાં ઉમેદવારીપત્ર ભરશે તેવું જાણવા મળેલ છે.
પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી મંગળવારે ઉમેદવારીપત્ર ભરશે ત્યારે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ પણ હાજર રહેશે તેવું ચર્ચાઈ રહ્યું છે. જો કે, હજુ સત્તાવાર જાહેરાત થઈ નથી. આ ઉપરાંત મહુવા બેઠક માટે ભાજપમાંથી આર.સી. મકવાણા પણ ઉમેદવારીપત્ર ભરશે. જ્યારે તળાજા, પાલીતાણા અને ગારિયાધાર બેઠક માટે ઉમેદવાર જાહેર થયા બાદ સોમવારે અથવા મંગળવારે અંતિમ દિવસે ઉમેદવારીપત્રો ભરાશે. આ ત્રણેય બેઠકો માટે ભાજપમાં વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે વિવાદને ખાળવા ભાજપ અંતિમ ક્ષણોમાં ઉમેદવારોના નામ જાહેર કરે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે. પાલીતાણા માટે ભાજપમાંથી ભીખાભાઈ બારૈયા, ઘનશ્યામભાઈ સિહોરા તેમજ ગોપાલભાઈ વાઘેલાના નામો પણ ચર્ચાઈ રહ્યાં છે. જ્યારે ગારિયાધાર બેઠક પર ખેનીનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે ત્યારે આ વખતે કદાચ વિરોધ-વંટોળને ધ્યાને રાખી ગારિયાધાર બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય કેશુ નાકરાણીનું પત્તુ કપાય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે. જ્યારે તળાજા બેઠક માટે પણ હજુ પક્ષમાં ખેંચતાણ થઈ રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.