આંધ્ર પ્રદેશમાં કેસની તપાસ માટે સીબીઆઈને પરવાનગી આપવાનું પરત લઈ લીધા બાદ હવે મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ લોકસભાની ચૂંટણી પહેલા આયકર વિભાગને ઈડી જેવી કેન્દ્રીય એજન્સીઓના પાવર ઘટાડવા માટે સુપ્રીમ કોર્ટમા જવાની યોજના બનાવી રહ્યા છે. ટીડીપીના સૂત્રોના કહેવા મુજબ નાયડુએ પહેલા જ પક્ષના નેતાઓ અને કાનૂની સલાહકારો સાથે આ બાબતે ચર્ચા કરી છે.
ટીડીપીના એક સાંસદના કહેવા મુજબ તમામ બીનભાજપી પક્ષો સાથે મળીને દિલ્હીમાં એક કાર્યક્રમનું માળખુ ઉભુ કરાશે. એક વખત તે તૈયાર થયા બાદ પક્ષો તમામ કેન્દ્રીય એજન્સીઓને કેન્દ્ર સરકારના રાજકીય એજન્ડાનો સાથે આપવાથી રોકવા માટે આગળ આવશે. તે પછી બધા પક્ષો સાથે વધુ એક વખત ચર્ચા વિચારણા કરાશે. જો જરૂર પડે તો અને સર્વસંમતિ થાય તો પક્ષો સુપ્રીમ કોર્ટ પણ જશે.
ટીડીપીના સભ્ય અને કૃષિમંત્રી રેડ્ડીએ જણાવ્યુ છે કે, અમે કાનૂની સહાયતા લેવા સહિત અનેક યોજનાઓ તૈયાર કરી છે. જો જરૂર પડે તો પ્લાન-બી ઉપર આગળ વધશું. અત્રે નોંધનીય છે કે ટીડીપી નેતાઓ વિરૂદ્ધ આઈટી વિભાગ દ્વારા હાલમાં દરોડા પાડવામાં આવ્યા તેમા કશુ મળ્યા નથી. આમાથી અનેકનુ કહેવુ છે કે અચાનક આઈટીના ઓફિસરો ટપકી પડયા હતા.
આ પગલામા ચંદ્રબાબુ નાયડુના એ આરોપ પણ સામેલ છે કે, કેન્દ્રમાં એનડીએ સરકાર કેન્દ્રીય એજન્સીઓના માધ્યમથી તેમને ડરાવવા અને ચૂંટણી પહેલા તેમને નબળા પાડવા માટે વિપક્ષી નેતાઓને ટાર્ગેટ કરી રહી છે. કેન્દ્રીય એજન્સીઓને કોઈપણ ચૂંટણી પહેલાના ૬ મહિના અગાઉ વિપક્ષી નેતાઓ ઉપર દરોડા પાડવાથી રોકવા માટે નાયડુ સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપની પણ માંગણી કરી શકે છે.
ટીડીપી નેતાનુ કહેવુ છે કે, નાયડુએ આ બાબતે પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે પણ ચર્ચા કરી છે.