પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદી અને મેહુલ ચોક્સી દ્વારા કરાયેલા કરોડોના કૌભાંડમાં મોટો ખુલાસો થયો છે અને આ સમગ્ર કૌભાંડમાં હવે કેન્દ્રીય મંત્રી હરિભાઇ ચૌધરીનું નામ પણ સામે આવ્યું છે. સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટીગેશન (સીબીઆઈ)ના અધિકારી દ્વારા કરવામાં આવેલા આ ધડાકાને કારણે ભાજપની છાવણી સહિત ગુજરાતના રાજકારણમાં ભૂકંપ જેવો માહોલ સર્જાયો છે. છેલ્લા ઘણા વખતથી બેન્કો સાથે ચિટિંગ કરી રફુચકકર થઈ જનારા ધંધાદારી ચિટરોની સંખ્યા બહોળી બની રહી છે. જેમાં મોટા કૌભાંડો બહાર આવ્યા હતા. આ પૈકીના પીએનબી સ્કેમમાં વર્તમાન મોદી સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી હરિભાઈ ચૌધરીનું નામ સામે આવ્યું છે જેને પગલે સત્તાધારી પાર્ટી ભાજપના નેતાઓના હાડકા ઠંડા પડી ગયા છે. સીબીઆઈના એક અધિકારીએ દાવો કર્યો છે કે, કેન્દ્ર સરકારના મંત્રી એવા હરિભાઈ ચૌધરીએ ચાલુ વર્ષના જુન મહિનાના પ્રથમ અઠવાડિયામાં બે કરોડની લાંચ લીધી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર સીબીઆઈના ડીઆઈજી મનોજ કુમાર સિન્હાએ સુપ્રિમ કોર્ટમાં એક એફિડેવિટ દાખલ કરી છે અને આરોપ મુક્યો છે કે, હરિભાઈએ હૈદરાબાદના બિઝનેસમેન સતિશ બાબૂ સના પાસેથી રૂ. ૧ કે ૨ કરોડની લાંચ લીધી છે. સૂત્રો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીને આપવામાં આવેલી આ રકમ અમદાવાદ શહેરના કોઈ વિપુલ નામના વ્યક્તિ દ્વારા આપવામાં આવી છે અને આ તથ્ય સનાએ તા.૨૦ ઓક્ટોબરના રોજ સીબીઆઇ ઓફિસર સામે કર્યું હોવાનું સામે આવ્યું છે. જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં એક એન્જસી દ્વારા એક કોલ ટ્રેસ કરવામાં આવ્યો હતો. જેમાં તેલંગાણાથી મેડચલથી ધારસભ્ય રહેલા કે લક્ષ્મી રેડી અને સના વચ્ચે ૧ કે ૨ કરોડ રૂપિયા મોકલવા અંગેની વાતચીત કરવામાં આવી છે. સતીશ બાબૂ સનાની વાત કરવામાં આવે તો, તેઓ હૈદરાબાદના મોટા બિઝનેસમેન છે અને તેઓની ગણના દેશના સૌથી મોટા મીટના વેપારીઓમાં થાય છે.
આ પહેલા પીએનબી બીજા નંબરના ટોચના અધિકારી રાકેશ અસ્થાના સાથેના કેસમાં પણ સનાનું નામ સામે આવી ચુક્યું છે. હૈદરાબાદના બિઝનેસમેન સતીશ બાબૂ સનાની ફરિયાદના આધારે પીએનબી બીજા નંબરના ટોચના અધિકારી રાકેશ અસ્થાના વિરૂદ્ધ નોંધવામાં આવેલી એફઆઈઆરમાં દાવો કરવામાં આવ્યો છે કે, તેમણે સીબીઆઈ સ્પેશિયલ ડાયરેક્ટરને ગત વર્ષે લગભગ ૩ કરોડ રૂપિયા આપ્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, પંજાબ નેશનલ બેન્કના કૌભાંડમાં કરોડોનું ફૂલેકું ફેરવી મેહુલ ચોકસી અને નીરવ મોદી દેશમાંથી ભાગી ગયા છે. પીએનબી સ્કેમના મુખ્ય આરોપીઓ નીરવ મોદી અને મેહુલ ચોક્સી સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે અને તેઓના પાસપોર્ટ પણ રદ્દ કરી દેવામાં આવ્યા છે. ત્યારે હવે આ સમગ્ર કૌભાંડમાં ગુજરાતના વતની એવા હરિભાઇ ચૌધરીનું નામ પણ સામે આવતાં રાજકીય ખળભળાટ મચ્યો છે.