સમભાવ દ્રષ્ટિથી સંવેદના જાગે છે

1488

ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન વિહાર કરી રહ્યા હતા. ગામડા ગામમાં પગપાળા ચાલતા ચાલતા ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન નદી કિનારે શોભતા એક નાનકડા ગામમાં આવી પહોંચે છે. બપોરના ધોમધખતા સૂર્યનો તાપ આકુળ-વ્યાકુળ કરી દે તેવો, અગ્નિના ગોળા વરસાવતો હતો. એવા ધોમધખતા તાપ વચ્ચે એક બ્રાહ્મણ ભિક્ષાવૃત્તિ કરી રહ્યો હતો. આવી ભયાનક ગરમી વચ્ચે ભિક્ષાવૃત્તિ કરતો બ્રાહ્મણ-ખુલ્લા પગે એક ઘરેથી બીજા ઘરે આંટાફેરા કરતો-ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુનની નજરે પડે છે.
અર્જુન કૃષ્ણ ભગવાનને કહે છેઃ ‘હે ભગવંત ! ધોમધખતા તાપ વચ્ચે ભિક્ષા માગતા આ બ્રાહ્મણ પર મને દયા છૂટે છે. થોડીવાર થોભો, હું તેમને મદદ કરવા માંગું છું. અર્જુન દોડતા-દોડતા બ્રાહ્મણ પાસે આવી પહોંચે છે અને તે બ્રાહ્મણના હાથમાં સોનામહોર ભરેલી થેલી મૂકીને કહે છેઃ ‘ધોમધખતા તાપમાં તારે ભિક્ષાવૃત્તિ ન કરવી પડે એટલા માટે હું તને કીમતી સોનામહોરો ભેટ આપું છું. જેમાથી તારો સમગ્ર જીવનનિર્વાહ ચાલશે.’ બીજા દિવસે પણ ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન ફરી વખત યાત્રામાં નીકળી જાય છે. બંને ફરતા-ફરતા પેલા નદી કિનારે શોભતા ગામમાં આવી પહોંચે છે. ગઇકાલની જેમ આજે પણ સૂર્ય સોળે કળાએ ખીલ્યો હોય એ રીતે અગનવર્ષા કરી રહ્યો હતો. અર્જુન અને ભગવાન શ્રીકૃષ્ણ પોતાની યાત્રા આગળ ધપાવી રહ્યા હતા, એટલામાં ફરી વખત તેને ગઈ કાલે જે ભિક્ષાવૃતિ કરતો હતો તે બ્રાહ્મણ નજરે પડે છે. અર્જુન જોતા જ આશ્ચર્ય સાથે બોલી ઊઠે છેઃ ‘ગઈકાલે તને થેલી ભરીને કીમતી સોનામહોરો આપી હોવા છતાં આજે ફરી વખત તું ભીખ માંગવા શા માટે આટલી ગરમીમાં અહીં આવ્યો છો? બ્રાહ્મણ એકીશ્વાસે તેની સાથે બનેલી ઘટના વિશે બોલવા લાગે છેઃ ‘મારી સઘળી સોનામહોર કોઈ લૂંટારા મને આંતરીને લૂંટી ગયા છે. મારી પાસે કશું રહ્યું નથી તેથી જ હું ફરી ભિક્ષાવૃત્તિ કરવા આટલા ધોમધખતા તાપ વચ્ચે એક ઘરથી બીજા ઘર સુધી ઘૂમી રહ્યો છું.’ અર્જુને બધી વાત સાંભળી પોતાના હાથની આંગળીમાંથી હીરાજડિત વીંટી કાઢી બ્રાહ્મણના હાથમાં મૂકી અને કહ્યુંઃ ‘બ્રહ્મદેવ ! આ વીંટી તમને આપું છું, તે બહુ કીમતી છે. તેને બજારમાં વેચવાથી તમને મોટી રકમ મળશે. તેમાંથી આપનું ગુજરાત ચાલશે અને તમે ભિક્ષાવૃત્તિની કડાકૂટમાંથી ઉગરી જશો. બ્રહ્મદેવ આ વીંટી લઈને ચાલવા લાગે છે. વીંટીને ઘરમાં સંઘરવાની કોઈ વ્યવસ્થા ન હોવાથી વીંટી બ્રાહ્મણ માટીના ઘડામાં મૂકે છે. બીજી તરફ બ્રાહ્મણની પત્ની પાણી ભરવા જાય છે. ત્યાં આખલાઓ લડતા બ્રાહ્મણીનો ઘડો ફૂટી જાય છે. એકાએક બ્રાહ્મણીને યાદ આવે છે, લાવ ગઈ કાલે જ હું માટીનો નવો ઘડો ખરીદી લાવી હતી તે પાણી ભરવા માટે લઈ આવું. બ્રાહ્મણી દોડતાં-દોડતાં ઘરેથી માટીનો નવો ઘડો લઈને જાય છે. માટીનો ઘડો પાણી ભરવા માટે નમાવી જેવો તળાવમાં ડુબાડે છે તેવી જ વીંટી ઘડામાંથી બહાર નીકળી તળાવમાં ગરકાવ થઈ જાય છે. આ વાતની બ્રાહ્મણને ખબર પડતા ભારે દુઃખી થઈ જાય છે. પોતાના નસીબને દોષ દેવા લાગે છે. એક વખત થેલી ભરીને મળેલી સોનામહોરો ગુમાવી અને ફરી હીરાજડિત વીંટી પણ ગુમાવી. આવું શા માટે થયું હશે? બ્રાહ્મણ ચોધાર આંસુએ રડવા લાગે છે. ફરી હિંમત એકઠી કરી બીજા દિવસે ભિક્ષાવૃત્તિ કરવા જવાનું મન મનાવે છે.
સૂર્યનારાયણ ઉગતાની સાથે જ બ્રાહ્મણ ભિક્ષાવૃત્તિ માટે નીકળી જાય છે. આ બાજુ રોજની માફક ફરી વખત ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વિહરતા વિહરતા બ્રાહ્મણ ભિક્ષાવૃતિ કરતો હોય છે ત્યાં આવી પહોંચે છે. અર્જુન ફરી વખત બોલી ઊઠે છેઃ ‘અલ્યા ગુરુદેવ, તમને થયું છે શું? કિંમતી હીરાજડિત વીંટી આપવા છતાં ફરી પાછા ભિક્ષાવૃત્તિ માટે કેમ આવવું પડ્યું?’ બ્રાહ્મણ પોતાની આખી કહાની સંભળાવે છે. હવે અર્જુન પોતે અવાક બની જાય છે. ભગવાન શ્રીકૃષ્ણ થોડા ઓછા કીમતી સિક્કા બ્રાહ્મણના હાથમાં મૂકે છે અને ત્યાંથી ચાલતા થાય છે. બ્રાહ્મણ તે સિક્કા લઇ પોતાના ઘર તરફ રવાના થાય છે. રસ્તા પર એક માછીમાર નદીમાં જાળ બિછાવી માછલા પકડવાનું કામ કરી રહ્યો હતો. તેણે તે માછીમારને જઈ કહ્યુંઃ ‘તું આ સઘળી માછલીઓ જીવતી જવા દે તો હું તને થોડા સિક્કા આપુ.’ માછીમાર તે કરવા રાજી થાય છે. બ્રાહ્મણ માછીમારના હાથમાં પેલા થોડા ઓછા કીમતી એવા સિક્કા મૂકે છે. દરમ્યાન જાળમાંથી મુક્ત થયેલી માછલીઓ પુનઃપાણીમાં કુદવા લાગે છે. એક માછલી પેલી હીરાજડિત વીંટી પોતાના પેટમાંથી મોં વાટે બહાર કાઢી બ્રાહ્મણના કમંડળમાં નાખે છે. બ્રાહ્મણ વીંટી જોતાં જ બોલી ઊઠે છેઃ ‘વાહ, મળી ગઈ. મારી સંપત્તિ મળી ગઈ. મારી હીરાજડિત વીંટી મળી ગઈ. મળી ગઇ ભાઇ, મળી ગઈ. વાહ, મારી આશા, મારી શ્રદ્ધા મળી ગઈ.’ આ અવાજ ઝાડીઓમાં છુપાયેલા લૂંટારાના કાને પડે છે. લૂંટારાને લાગે છે કેઃ ‘બ્રાહ્મણ મારી છુપાવેલી સંપત્તિ જોઈ ગયો લાગે છે. હવે તે રાજાને ફરિયાદ કરશે. મારી તપાસ થશે. સંપત્તિ મારે પરત આપવી પડશે. રાજા મને જેલમાં પૂરશે કાં શૂળીએ ચડાવશે. આના કરતા બ્રાહ્મણની ક્ષમા માંગી તેની સઘળી સોનામહોરો પરત કરવામાં જ મારું શાણપણ છે. લૂંટારો દોડતા-દોડતા બ્રાહ્મણના પગમાં પડે છે અને સોનામહોરોની થેલી બ્રાહ્મણના ચરણોમાં અર્પણ કરી ક્ષમા માંગવા લાગે છે. એકાએક સઘળી સંપત્તિ, હીરાજડિત વીંટી પરત મળતા બ્રાહ્મણ ભગવાન શ્રીકૃષ્ણ પાસે આવે છે અને બોલે છેઃ ‘પ્રભુ, આપની કૃપાથી મેં ગુમાવેલી બધી સંપત્તિ મને મળી ગઈ છે. સાંભળી અર્જુન બોલે છેઃ ‘મેં આટલી કીમતી સોનામહોરો અને હીરાજડિત વીંટી બ્રાહ્મણને આપ્યા છતાં તેમને શાંતિ મળી નહીં. તમે સાવ ઓછી કિંમતના થોડા સિક્કા આપ્યા છતાં બ્રાહ્મણને સઘળું સુખ-શાંતિ મળ્યા, તેનું શું કારણ?
ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છેઃ ‘તેં બ્રાહ્મણને જે સંપત્તિ આપી તેનો તને અહંકાર હતો કે હું આટલું ધન બ્રાહ્મણને આપું તો જીવનપર્યંત તેને ભિક્ષાવૃત્તિ કરવી ન પડે. પરંતુ તારો ભાવ તેને સુખી કરવાનો નહોતો. તું એક ધનવાન દાતા તરીકે સંપત્તિ અર્પણ કરી તારું પોતાનું ગૌરવ વધારવા માંગતો હતો. તેથી તારા સમભાવના અભાવે બ્રાહ્મણ સુખી થઈ શકયો નહીં. જ્યારે મેં સાવ ઓછા કીમતી એવા આપેલા થોડા સિક્કા સંવેદનાના ભાવથી આપ્યા હતા. તે વધુ દુઃખી ન થાય તેવી લાગણીથી આપ્યા હતા. તેને મુસીબતોમાંથી બહાર કાઢવા, તેને બેઠો કરવા માનવતાના ભાવથી જે કંઈ મારી પાસે હતું, તેમાંથી અર્પણ કરી શકાય તેટલું પણ ખરી મમતાથી આપ્યું હતું. જ્યારે કોઈ પણ વ્યક્તિ નિઃસ્વાર્થભાવે અન્યને મદદ કરે છે ત્યારે સાચો સમભાવ જાગે છે અને જાગેલા સમભાવમાંથી જ સંવેદના નીપજે છે.
નવરાત્રીના દિવસો હતા. શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી ભાઈ બહેનો આંખોમાં આવેલા અંધારા બાજુ પર મૂકી પ્રજ્ઞાચક્ષુ ઓરકેસ્ટ્રા ગ્રૂપના સથવારે અને ઢોલની દાંડીએ પોતાના કદમ મેળવી ગરબે ઘૂમી રહ્યા હતા. સંસ્થાની પાસેના વિસ્તારમાં આવેલા કોઈ ફ્લેટમાં પારિવારિક પ્રસંગમાં વરતેજ ગામના ફોટોગ્રાફર જિજ્ઞેશભાઈ ત્રિવેદી ફોટોગ્રાફી કરી રહ્યા હતા. તેવા જ સમયે પેલી ઓરકેસ્ટ્રા ટીમના કોઈ ગાયકના શબ્દો તેના કાને પડે છે. પોતાનું ફોટોગ્રાફીનું કામ પૂર્ણ થતા તે અવાજની દિશામાં અંધશાળાના પટાંગણમાં આવી પહોંચે છે. ગરબે ઘૂમતા દૃષ્ટિહીન વિદ્યાર્થીઓને નિહાળી તે એવા તો પ્રભાવિત થાય છે કે વિદ્યાર્થીઓને પુરસ્કાર આપવા વ્યવસ્થાપક પાસે પહોંચી જાય છે અને પોતાની થોડીઘણી રકમ પુરસ્કારમાં લેવા તે વિનંતી કરે છે. વ્યવસ્થાપક જિજ્ઞેશભાઈને કહે છેઃ ’તમે કેટલી રકમ આપવા ઇચ્છો છો?’ જિજ્ઞેશભાઈ કહે છેઃ ‘રૂપિયા પાંચસો.’ કાર્યક્રમના વ્યવસ્થાપક સંચાલક કહે છેઃ ‘સારું આવતીકાલે રૂપિયા પાંચસો તમો આપશો એટલે તે અમો પુરસ્કારરૂપે વિજેતા વિદ્યાર્થીઓને આપીશું.’ જિજ્ઞેશભાઈ આ વાત યાદ રાખી બીજા દિવસે આવી પહોંચે છે અને રૂપિયા પાંચસોને બદલે રૂપિયા એક હજાર વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્કાર આપવા માટે આપે છે. આ ઉપરાંત બંને દિવસના કાર્યક્રમની ફોટોગ્રાફી તેઓ વિનામૂલ્યે કરી સંસ્થાના કાર્યાલયમાં ફોટોગ્રાફની કૉપી પણ પહોંચાડવાનું ચૂકતા નથી. આ જ છે ખરો સમભાવ ! કોઈ પણ પ્રત્યે સદ્દભાવ ત્યારે જાગ્યો કહેવાય જ્યારે તેને ખરી મદદ માટે આપણે હાથ લંબાવીએ. એટલે કે ભગવાન શ્રીકૃષ્ણએ ભલે થોડા ઓછા કીમતી સિક્કાઓ બ્રાહ્મણને આપ્યા હતા પણ બ્રાહ્મણ પ્રત્યે ભગવાનનો ખરો સમભાવ હતો એટલે જ બ્રાહ્મણ તેના વડે ગુમાવેલી સઘળી સંપત્તિ પુનઃ પામી શક્યો, મેળવી શક્યો. જ્યારે ભગવાન શ્રીકૃષ્ણના પગલે જિજ્ઞેશભાઈ ત્રિવેદી જેવા ગુણવાન વ્યક્તિઓ આગળ આવશે ત્યારે જ ઉત્તમ સમાજની ભૂમિમાં સમભાવ અને સંવેદનાના મીઠાં ફળ આપણે ચાખી શકીશું.

Previous articleગોહિલવાડમાં તુલસી વિવાહની આસ્થાભેર ઉજવણી
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે