ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ ઓસ્ટ્રેલિયા સામે ટી-૨૦ શ્રેણીની પ્રથમ મેચ માટે ૧૨ ખેલાડીઓના નામની જાહેરાત કરી હતી. બ્રિસ્બેનના ગાબા મેદાનમાં રમાનાર પ્રથમ ટી-૨૦ મેચ માટે ટીમમાં ઋષભ પંત, કેએલ રાહુલ અને દિનેશ કાર્તિક ત્રણેય ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતે હજુ સુધી ઓસ્ટ્રેલિયામાં કુલ છે મેચો રમી છે તે પૈકી ચારમાં જીત મેળવી હતી. બોલિંગની વાત કરવામાં આવે તો ભુવનેશ્વર કુમાર અને જસપ્રિત બુમરાહ સહિત ઝડપી બોલર ખલીલ અહેમદનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. હવે મહત્વપૂર્ણ બાબત એ છે કે, મેચ માટે કોઇ એક ખેલાડીને બહાર રહેવું પડશે. જોરદાર ફોર્મમાં ચાલી રહેલા ઉપકેપ્ટન રોહિત શર્મા અને શિખર ધવન ઓપનિંગમાં નજરે પડશે. મિડલ ઓર્ડરની જવાબદારી કેપ્ટન વિરાટ કોહલી અને દિનેશ કાર્તિક સંભાળશે. ઋષભ પંત અને કેએલ રાહુલ પણ સંભાળી શકે છે. વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ શાનદાર ડેબ્યુ કરનાર કૃનાલ પંડ્યાનું પણ નામ ૧૨ સંભવિત ખેલાડીઓની યાદીમાં સામેલ છે.ભારતીય વાઇસકેપ્ટન રોહિત શર્માએ કહ્યું છે કે, ઓસ્ટ્રેલિયાના બોલરોને પોતાની હાઈટનો ફાયદો થશે પરંતુ તેમની ટીમ આ વખતે ક્રિકેટની આ શ્રેણીમાં નવી પરિભાષા માટે તૈયાર છે. ભારતીય ટીમ શ્રેણીની શરૂઆત ૨૧મી નવેમ્બરના રોજ ટી-૨૦ મેચથી કરશે. રોહિત શર્માએ કહ્યું હતું કે, ઝપડી વિકેટ પર રમવું સરળ રહેશે નહીં. તેમણે કહ્યું હતું કે, ભારતે હમેશા પર્થ અને બ્રિસ્બેનમાં મેચો રમી છે અને આ બંને મેદાનો પર પરિસ્થિતિ પડકારરુપ રહે છે તેમજ ઓસ્ટ્રેલિયાના બોલરો આ પરિસ્થિતિનો સંપૂર્ણ ફાયદો ઉઠાવે છે. રોહિત શર્માએ કહ્યું હતું કે, આ વખતે ખુબ જ સારુ પ્રદર્શન કરીને સીરીઝ જીતવા માટે ઇચ્છુક છે. ઓસ્ટ્રેલિયાને ઓસ્ટ્રેલિયામાં હરાવવું ખુબ જ મુશ્કેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રણે મેચોની ટ્વેન્ટી સીરીઝ બાદ ભારત ચાર ટેસ્ટ મેચ અને ત્રણ વનડે મેચોની શ્રેણી રમનાર છે. ભારતે હજુ સુધી ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતી નથી. ત્રણ શ્રેણી ડ્રોમાં પરિણમી અને આઠમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. તાજેતરમાં જ વેસ્ટઇન્ડિઝ સામે વનડે અને ટ્વેન્ટી સિરિઝ જીત બાદ ભારતના તમામ ખેલાડીઓનો જુસ્સો આસમાને પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયન ટીમને લડત આપવા માટે સંપૂર્ણ ભારતીય ટીમ તૈયાર છે. બંને ટીમ નીચે મુજબ છે.
ભારતીય ટીમ : વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, રોહિત શર્મા, કેએલ રાહુલ, દિનેશ કાર્તિક, ઋષભ પંત, કૃણાલ પંડ્યા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહેમદ.
ઓસ્ટ્રેલિયન ટીમ : આરોન ફિન્ચ (કેપ્ટન), એસ્ટોન એકર, જૈશન બેહરેનડોર્ફ, એલેક્સ કારે, કૂલ્ટર નાઇલ, ક્રિસ લિન, મેકડરમોટ, ગ્લેન મેક્સવેલ, ડાર્સી શોર્ટ, બિલી સ્ટોનલેક, માર્ક્સ સ્ટોયનિસ, એન્ડ્રુ ટાઈ, એડમ ઝંપા.