દિલ્હી એરપોર્ટ પર મંગળવારે દિલ્હી પોલીસના સ્પેશિલ સેલ દ્વારા આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના એક આતંકવાદની ધરપકડ કરવામાં આવી છે. મંગળવારે વહેલી સવારે પકડવામાં આવેલા આ આતંકવાદીનું નામ અન્સારૂલ કહેવાઈ રહ્યું છે. આ આતંકવાદી ૨૮ ઓક્ટોબરના રોજ કાશ્મિરના પુલવામા જિલ્લામાં જમ્મુ-કાશ્મિર પોલીસના એસઆઈ ઈમ્તિયાઝ અહેમદ મીરની હત્યામાં સામેલ હતો. સ્પેશિયલ સેલની તેની દરેક મૂવમેન્ટ પર છેલ્લા ૧૫-૨૦ દિવસથી નજર હતી. ૨૦ નવેમ્બર એટલે કે આજના દિવસે તે જેવો દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યો કે પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી.
વાત એમ છે કે, જન્મુ-કાશ્મીરમાં સેના ઓપરેશન ઓલઆઉટ અંતર્ગત આતંકવાદીઓને શોધી-શોધીને મોતને ઘાટ ઉતારી રહી છે.
તેનાથી ગુસ્સે ભરાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળોને નિશાન બનાવવાના શરૂ કર્યા છે. આ જ સંદર્ભે આતંકવાદીઓએ એક ધમકી આપી હતી કે ઘાટીના પોલીસ કર્મચારીઓ અને એસપીઓ પોતાની નોકરીઓ છોડી દે. આ ધમકી બાદ ઈમ્તિયાઝની હત્યા કરી દેવાઈ હતી. હત્યા બાદ આ આતંકવાદી ફરાર થઈ ગયો હતો.