રાજદ્રોહ કેસ : હાર્દિક સહિત ત્રણ લોકોની વિરૂદ્ધ ચાર્જફ્રેમ

690

પાટીદાર અનામત આંદોલન દરમ્યાન જીએમડીસી ગ્રાઉન્ડમાં જાહેરસભા યોજી કોમી વૈમનસ્ય ફેલાવવાના, સમાજમાં અરાજકતા અને વર્ગવિગ્રહ ફેલાવવાના તેમ જ સરકાર સામે યુધ્ધે ચડવાના ઇરાદાના ચકચારભર્યા રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલ, દિનેશ બાંભણીયા અને ચિરાગ પટેલ વિરૂધ્ધ ત્રણ વર્ષ બાદ આખરે સેશન્સ કોર્ટે ચાર્જફ્રેમ કર્યો છે. એડિશનલ સેશન્સ જજ ડી.પી.મહિડાએ રાજદ્રોહના કેસમાં ચાર્જફ્રેમ કરતાં હાર્દિક સહિતના આરોપીઓ સામે હવે કાનૂની ખટલો શરૂ થશે. મુખ્ય સરકારી વકીલ સુધીર બી.બ્રહ્મભટ્ટે ચાર્જશીટ સહિત કેસની મહત્વની વિગતો કોર્ટને જણાવ્યા બાદ ન્યાયાધીશ મહિડાએ  રાજદ્રોહ કેસમાં હાર્દિક સહિતના આરોપીઓ સામે તહોમતનામુ ફરમાવ્યું હતું. આજે સવારે ૧૧ વાગ્યે આરોપીઓ ચિરાગ પટેલ અને દિનેશ બાંભણીયા હાજર રહ્યા હતા, જયારે હાર્દિક પટેલના વકીલે તેના અસીલ સામાજિક કામમાં વ્યવસ્ત હોઇ હાજર નહી રહેતાં કોર્ટે લાલ આંખ કરી તેની વિરૂધ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું, જેને પગલે હાર્દિકના વકીલે બહાર જઇ હાર્દિકને ફોન કરતાં ગાંધીનગર ઓબીસી કમીશનમાં ગયેલા હાર્દિક પટેલ ૫૦ મિનિટમાં જ અદાલત સમક્ષ હાજર થઇ ગયો હતો. બીજીબાજુ, ગત મુદતે હાજર નહી રહેલાં દિનેશ બાંભણીયા વિરૂધ્ધ કોર્ટે જામીનપાત્ર વોરંટ કાઢયું હોવાથી ક્રાઇમબ્રાંચે તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો, જો કે, કોર્ટે બાંભણીયાને રૂ.ત્રણ હજારના જામીન પર પાછળથી મુકત કર્યો હતો. કોર્ટે ત્રણેય આરોપીઓને જણાવ્યું કે, તમારી સામે પોલીસે દાખલ કરેલા ચાર્જશીટની વિવિધ કલમો હેઠળ ચાર્જફ્રેમ કરાય છે તો તમને આ ગુનો કબૂલ છે ત્યારે આરોપીઓએ એક સૂરે ના પાડી હતી. જો કે, એડિશનલ સેશન્સ જજ ડી.પી.મહિડાએ ત્રણેય આરોપીઆવિરૂધ્ધ વિધિવત્‌ તહોમતનામુ ફરમાવી દીધુ હતુ. બાદમાં તેની પર સહી કરવાનો હાર્દિક અને દિનેશ બાંભણીયાએ ઇનકાર કરતાં કોર્ટે ગંભીર ટકોર કરી હતી, જેને પગલે બંને જણાંએ સહી કરવાની ફરજ પડી હતી.

કોર્ટે તહોમતનામું ફરમાવતાં જણાવ્યું હતું કે, હાર્દિક સહિતના આરોપીઓએ પાટીદારોને રાજયમાં અનામત મળી શકે તેમ નહી હોવાછતાં સરકાર સામે ગુનાહીત બળ દેખાડી આંતક ફેલાવવાનું કાવતરૂ રચ્યું હતું. આ કાવતરાના ભાગરૂપે આરોપીઓએ જૂન-૨૦૧૫થી રાજયમાં જુદી જુદી જગ્યાએ વિવિધ ચળવળ, જાહેરસભાઓ, દેખાવો, રેલીઓ, ધરણાં અને વિરોધપ્રદર્શનો યોજી સરકાર સામે ગુનાહીત બળ દેખાડવા ગેરકાયદે કૃત્યો આચર્યા હતા. એટલું જ નહી, આરોપીઓએ મોબાઇલ ફોન અને એકબીજા સાથેની વાતચીત દરમ્યાન લોકોને ઉશ્કેરવા અને સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પોલીસ અને વહીવટીતંત્ર પર હુમલો કરવા અને હિંસા ફેલાવવા ઉત્તેજીત કરાયા હતા. તા.૨૫-૮-૨૦૧૫ના રોજ અનામત માટે સરકાર પર દબાણ ઉભુ કરવા જીએમડીસી ગ્રાઉન્ડ પર મહાક્રાંતિ સભા અને રેલીનું આયોજન કર્યું હતું તે દરમ્યાન હાર્દિક પટેલે કાવતરાના ભાગરૂપે ઉશ્કેરણીજનક અને ભડકાઉ ભાષણો કર્યા હતા. એટલું જ નહી, પરવાનગી વિના ગ્રાઉન્ડ પર ઉપવાસ પર બેઠા હતા. એ પછી સમગ્ર કાવતરાના ભાગરૂપે સમગ્ર રાજયમાં સરકારી કચેરીઓ, પોલીસના વાહનો, રેલ્વે, એસટી અને એએમટીએસ, બીઆરટીએસ પરિવહન, ફાયરબ્રિગેડ સહિતની માલ-મિલકતોને નિશાન બનાવી મોટાપાયે નુકસાન પહોંચાડયું હતું. પોલીસ પર હુમલામાં કેટલાક પોલીસ કર્મી ઇજાગ્રસ્ત પણ થયા હતા. બાદમાં શહેરમાં કેટલાક વિસ્તારમાં કરફયુ લાદવાની ફરજ પડી હતી. આરોપીઓના રાજયની શાંતિ ડહોળવાના પ્રયાસના કારણે શહેર સહિત રાજયભરમાં કુલ ૪૫૭ ગુનાઓ આચરાયા હતા. જેમાં અમદાવાદમાં જ ૬૩ ગુનાઓ નોંધાયા હતા. આ હિંસામાં રેલ્વેને રૂ.૫૨.૬૬ લાખ, એએમટીએસને રૂ.ચાર કરોડ, બીઆરટીએસને રૂ.૩.૧૯ કરોડ અને એસટી નિગમને રૂ.૨૧ કરોડનું નુકસાન પહોંચ્યું હતું. આમ, ઉપરોકત આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં આંદોલનકારીઓની મદદથી સરકાર વિરૂધ્ધ તિરસ્કાર અને અનાદર પેદા કરી રાજયની જાહેર સુલેહ શાંતિ હણી કોમી વૈમનસ્ય અને તંગદિલીભર્યુ વાતાવરણ ઉભુ કરી ભારતીય દંડ સંહિતાની કલમ-૧૨૪(એ) સાથે વાંચતા કલમ-૧૨૦(બી) મુજબનો ગુનો આચર્યો છે, તેથી તેઓની વિરૂધ્ધ ખટલો ચલાવવાનો હુકમ કરવામાં આવે છે.

Previous articleગુજરાતના ગૃહ વિભાગે કર્યો ૬ IPS અને ૧૫ GYSPની બદલીનો આદેશ
Next articleગાંધીનગરમાં ઠેર ઠેર તુલસી વિવાહના કાર્યક્રમો યોજાયા