ભાવનગર જિલ્લાના બે કોંગી દિગ્ગજોએ પક્ષની નીતિ-રીતિથી નારાજ બની એકાએક રાજીનામા ધરી દેતા ચક્ચાર મચી જવા પામી છે.પાલીતાણા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી તથા પ્રદેશ કોંગ્રેસ લઘુમતિ મોર્ચાના વાઈસ ચેરમેન હાજી હૈયાતખાન બલોચ પાલીતાણા વિસ્તારમાં ખુબ સારી લોક ચાહના ધરાવે છે. જેઓએ કોંગ્રેસ પક્ષના મોવડીઓ દ્વારા કરવામાં આવતી સતત ઉપેક્ષા તથા નીતિ-રીતિથી નારાજ બનીને રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ સોનિયા ગાંધીને પોતાનું રાજીનામુ આપી દીધુ છે. એ જ રીતે કોંગ્રેસ પક્ષના પાયાના પથ્થર તથા પિતા દ્વારા રાજકારણનો વારસો પ્રાપ્ત થયો છે. એવા ગઢડા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય પ્રવિણ મારૂએ પણ કોંગ્રેસ દ્વારા દલીતો પ્રત્યેની ભેદભાવભરી નીતિથી કંટાળી રાજીનામુ ધરી દીધુ છે. એક જ દિવસમાં જિલ્લાના બે કોંગી દિગ્ગજોએ કોંગ્રેસ સાથે એકાએક છેડો ફાડતા રાજકારણ ગરમાયું છે અને સમગ્ર બાબત લોક ચર્ચાના એરણે ચડી છે.