હાઇકોર્ટના આદેશ પ્રમાણે હાલના મેયર પ્રવિણભાઇ પટેલ સામેના પક્ષાંતર ધારાના ભંગના કેસની મુદ્દત તારીખ ૨૨મીએ છે અને ત્યારે જ બંધ કવરમાં રાખવામાં આવેલો મેયરનો મત ખોલવાનો છે. પરિણામે ૨૨મીએ તો રીટાબેનનો પદગ્રહણ સમારોહ યોજી શકાશે નહીં. ૨૩મીથી ૩ દિવસની રજા હોઈ હાઇકોર્ટમાંથી અન્ય કોઇ માર્ગદર્શન કે આદેશ આપવામાં નહીં આવે તો જ ૨૬મીએ રીટાબેન પટેલની તાજપોશી શક્ય બનશે.
હાઇકોર્ટમાંથી અન્ય કોઇ માર્ગદર્શન કે આદેશ મુદ્દે વાત એવી છે કે ગત તારીખ ૧૩મીએ મેયરની ચૂંટણી વખતે અપહરણ કરાયેલા કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટે એવી જાહેરાત કરી હતી કે, અપહરણ થવાના કારણે તેનો મત્તાધિકીર છીનવાયો હોવાથી તે આ મુદ્દે કોર્ટનું શરણુ લઇને ન્યાયની માગણી કરશે. જ્યારે કોંગ્રેસના અન્ય સભ્યો પણ ચૂંટણીને ગેરકાયદે ઠરાવવા માટે ૨૨મી પહેલા કોર્ટના દ્વારા ખખડાવે તો નવાઇ રહેશે નહીં.
આ સંજોગોમાં જો કોર્ટ દ્વારા કોઇ વિશેષ આદેશ કે માર્ગદર્શક સુચનાઓ અપાય તો મેયર જ નહીં ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના નક્કી થનારા ચેરમેનના પદ્દગ્રહણમાં મોડુ થઇ શકે છે.
ભાજપ પ્રદેશ દ્વારા મેયર પદ્દે રીટાબેન કેતનભાઇ પટેલ અને ડેપ્યુટી મેયર પદ્દે નાજાભાઇ ઘાંઘરની પસંદગી કરી દેવાઇ હતી અને તેમની પસંદગી પણ સામાન્ય સભામાં થઇ ગઇ હતી. તેની સાથે સ્થાયી સમિતિ માટે ૬ પુરુષ અને ૬ મહિલા સભ્યોની પણ પસંદગી કરી દેવાઇ હતી. પરંતુ તેમાંથી ચેરમેન કોણ બનશે, તે મહત્વનો મુદ્દો હજુ સુધી ગુંચવાયેલો જ રહ્યો છે અને સ્થાનિક કાર્યકરોમાં તે ચર્ચાનો મુદ્દો પણ બની ગયો છે. નોંધવું રહેશે કે હાલના ચેરમેન મનુભાઇ પટેલ ૬ મહિનાનું એક્સટેન્સન માગી ચૂક્યા છે. નોંધવું રહેશે કે સ્થાયી સભ્યોમાં છેલ્લી ઘડીએ, છેલ્લા નંબરે મનુભાઇનું નામ ઉમેરવામાં આવ્યુ હતુ. આ પદ્દ પર બ્રમ્હ સમાજનો દાવો પણ છે અને એક તબક્કે નરેશ પરમારનું નામ ચર્ચામાં આવી ચૂકેલુ છે. ત્યારે પ્રદેશ નેતાઓ પણ મુંઝવણમાં છે. સ્થાયી ચેરમેન પદ્દ બ્રહ્મ સમાજને આપવું, મનુભાઇને એક્સટેન્સન આપવું કે પરમારને લોટરી લગાડવી તે મુદ્દો ઉકેલાયો નથી. તેથી હાલ આ મામલે મનપામાં અનેક તર્ક-વિતર્કો સાંભળવા મળી રહ્યા છે.