ત્રણથી વધુ ઈ-મેમો થઈ જશે તો વાહન અંગેની એન્ટ્રી RTOમાં મોકલાશે

1161

ગાંધીનગરમાં કડકપણે ટ્રાફિક નિયમન કરાવવા ઈ-મેમો સિસ્ટમ આજથી ફરી શરૂ કરાઈ છે. જે માટે શહેરના પ્રવેશદ્વાર અને સર્કલોએ મળીને કુલ ૪૦૦થી વધુ સીસીટીવી કેમેરા લગાડાયા છે. નોંધનીય છે કે ઈ મેમોનો દંડ વાહન ચાલક નહિ ભરે તો તેનુ લાઇસન્સ રદ કરવા કાર્યવાહી કરાશે.

ઓનલાઈન પેમેન્ટ સુવિધા શરૂ કરાઈ છે.ગાંધીનગરમાં અગાઉ પણ ટ્રાફિક નિયમનનો ભંગ બદલ વાહનચાલકોને સીસીટીવી દ્વારા પકડીને ઈ-મેમો મોકલાતા હતા પરંતુ સરકારે લીધેલા નિર્ણય બાદ આ કામગીરી ઘણા સમયથી બંધ હતી. આજથી ફરી શહેરમાં ઈ-મેમો મોકલવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

જિલ્લા પોલીસ અધિક્ષક મયુરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, ’શહેરમાં કોર્પોરેશનના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અને પોલીસના સુરક્ષા સેતુ પ્રોજેક્ટ અંતર્ગત કુલ ૪૦૦થી વધુ સીસીટીવી કેમેરા લગાડાયા છે. હાઇ ડેફિનેશન ક્વોલિટી અને નાઇટ વિઝનવાળા આ સીસીટીવી કેમેરાથી આજથી ટ્રાફીક નિયમનનો ભંગ કરનાર વાહનચાલકોને ઇ-મેમો મોકલવાની કામગીરી શરૂ કરાશે. હેલ્મેટ, સીટ બેલ્ટ ન પહેરનાર વાહનચાલકો ઉપરાંત ચાલુ વાહને મોબાઇલ પર વાત કરનાર વાહન ચાલકોને મેમો મોકલવામા આવશે.

ઈ-મેમો સિસ્ટમથી ઘરે બેઠા ઓનલાઇન પેમેન્ટ થઈ શકે તે પોલીસ વિભાગ દ્વારા બેંકો સાથે ટાઈઅપ પણ કરી લેવામાં આવ્યું છે. ત્રણથી વધુ ઈ-મેમો ફાટશે તે વાહન ચાલકની એન્ટ્રી આરટીઓમાં પણ કરાવવામાં આવશે. મેમો નહીં ભરનાર ચાલકનું લાઈસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી કરાશે. ટ્રાફિકને અસરગ્રસ્ત ત્રણ લોકેશનનો અભ્યાસ કરીને ઘ-૩, ચ-૩ અને ઘ-૦ સર્કલ ઉપર ટ્રાફિક સિગ્નલ મૂકાયા છે. જેને કાર્યરત કરાશે. સિગ્નલ તોડીને નીકળી જનાર, સ્ટોપ લાઈન ક્રોસ કરનાર વાહન ચાલકોને મેમો મોકલાશે.

Previous articleપાટનગરના નવા મહિલા મેયર ૨૬મી પહેલાં પદ ગ્રહણ કરી શકશે નહીં
Next articleગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ, રેકોર્ડ બ્રેક ૧૦ લાખ લોકોએ પરિક્રમા કરી