ત્રણ વર્ષ પહેલા પંજાબના ફરીદકોટના બરગાડી ગામમાં શીખોના પવિત્ર ગ્રંથ સાહેબના અપમાનના મામલાની તપાસ કરવા માટે એસઆઈટી સમક્ષ હાજર થવા માટે બોલિવુડ અભિનેતા અક્ષય કુમાર બુધવાર સવારે ચંડીગઢ પહોંચી ગયા છે. અક્ષય કુમારની પૂછપરછ કરવા માટે આ મામલામાં એસઆઈટીએ તાજેતરમાં જ સમન્સ જાહેર કર્યું હતું. એસઆઈટીએ ૨૦૧૫માં થયેલા અપમાનના મામલાઓ અને ફાયરિંગ બાદ કોટકપુરા પોલીસ થાણામાં નોંધાવેલ મામલાઓનાં સંદર્ભમાં પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ, શિરોમણી અકાલી દળ સુપ્રીમો સુખબીર બાદલ અને અક્ષય કુમાર માટે સમન્સ જાહેર કર્યું હતું. આ મામલામાં અભિનેતા અક્ષય કુમાર પર જસ્ટિસ રણજીત સિંહ આયોગની રિપોર્ટમાં ગંભીર આરોપ લાગ્યા હતા. અક્ષય કુમાર પર લાગેલા આરોપો અનુસાર અક્ષયે ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૫ના રોજ પોતાના ફ્લેટ પર તત્કાલિન ડેપ્યુટી મુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલ અને ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ વચ્ચે બેઠક ગોઠવી હતી. આ બેઠક દરમિયાન જ ડેરા પ્રમુખની ફિલ્મને પંજાબમાં રિલીઝ કરવા પર સિક્કો લાગ્યો હતો. બીજી તરફ અક્ષય કુમારે આ આરોપોને નકારી કાઢ્યા છે. અક્ષયે પોતાની સ્પષ્ટતા કરતા કહ્યું કે પોતાના અત્યાર સુધીના જીવનમાં તે એક પણ વખત રામ રહીમને મળ્યો નથી.