રાજયમાં ૯૫૦ ખેડૂતો પાસેથી ૧૯,૦૦૦ ક્વિન્ટલ મગફળીની ખરીદી કરવામાં આવી

957

સરકારે ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો ખેડૂત કલ્યાણલક્ષી નિર્ણય લીધો છે અને તારીખ ૧૫ થી ૨૦ નવેમ્બર સુધીમાં રાજ્યભરમાં ૫,૩૫૨ ખેડૂતો પાસેથી રૂ.૫,૩૭૭ લાખની ૧,૦૭,૫૩૯ ક્વિન્ટલ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. ત્યારે રાજકોટ ટેકાના ભાવે મગફળી ખરીદવામાં ગુજરાતમાં પ્રથમ નંબરે છે.

હાલમાં રજિસ્ટ્રેશનની ૨૦ ટકા જેટલી મગફળીની ખરીદી કરાઈ છે. ૫ દિવસમાં ૯૫૦ ખેડૂતો પાસેથી ૧૯,૦૦૦ ક્વિન્ટલ મગફળીની ખરીદી કરવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં કુલ ૧૭,૦૦૦થી વધુ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તો રાજ્યમાં અત્યાર સુધી સરકારે કુલ ૯૫,૦૦૦ ક્વિન્ટલથી વધુ મગફળીની  ખરીદી કરી છે.

આ ખરીદીની પ્રક્રિયા ૩ મહિના સુધી ચાલશે.રાજકોટમાં ૧૧ સેન્ટર પર મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે.  રાજકોટમાં ૨૫,૦૦૦થી વધુ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ખેડૂતો પાસેથી ખરીદવામાં આવેલી મગફળી ખરીદ સેન્ટરથી ૪૦ કિમીના અંતરે ગોડાઉનમાં રાખવામાં આવશે. રાજકોટમાં ખરીદી કરેલી મગફળી બામણબોરના રાધેક્રિષ્ના ગોડાઉનમાં રાખવામાં આવી છે તો કોટડાસાંગાણી, પડધરી અને લોધિકાની મગફળી પડવલા અને ગોંડલ ગોડાઉનમાં રાખવામાં આવી છે.  રાજ્યના નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના નાયબ જિલ્લા મેનેજરના જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર દ્વારા ખરીફ સીઝન ૨૦૧૮-૧૯ માટે લઘુતમ ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે તા.૧૫/૧૧/૨૦૧૮ થી ખરીદી શરૂ કરાઇ છે. મગફળીના ખરીદ કેન્દ્ર તરીકે જાહેર કરાયેલા રાજ્યભરના કુલ ૧૨૨ એપીએમસી સેન્ટર ખાતે સંબંધિત જિલ્લા કલેકટર દ્વારા તા. ૧લી નવેમ્બર-૨૦૧૮થી ટેકાના ભાવે ખેડૂતો પાસેથી મગફળી ખરીદવા માટે ખેડૂતોની નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

આ નોંધણીના ક્રમાનુસાર સરકારના નિયમ મુજબ રોજની ૨,૫૦૦ કિ.ગ્રા.ની મર્યાદામાં મગફળી લાવવા ખેડૂતોને એસએમએસથી જાણ કરવામાં આવી હતી. જેના કારણે જે તે વિસ્તારના ખેડૂતો જે તે વિસ્તારના એપીએમસી સેન્ટર ખાતે મગફળી વેચાણ માટે પહોંચ્યા હતા. આ પ્રક્રિયા અંતર્ગત ૧૫ થી ૨૦ નવેમ્બર, ૨૦૧૮ સુધીમાં રાજ્ય સરકારે નક્કી કરેલા લઘુતમ ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૫,૦૦૦ મુજબ રાજ્યભરના ૫,૩૫૨ ખેડૂતો પાસેથી કુલ રૂ.૫,૩૭૭ લાખની કુલ ૧,૦૭,૫૩૯.૭૫ ક્વિન્ટલ મગફળી ખરીદવામાં આવી હતી.

Previous articleપશુઓ માટે ઘઉંની પરાળ લેવા મંત્રી વાસણ આહિર પંજાબ જશે
Next articleનર્મદાની સબ કેનાલમાં સિંચાઇનુ પાણી ન પહોંચતા ખેડૂતોની હાલત કફોડી