દહેગામ શહેરમાં આવેલું ૩૫ વર્ષ જુનું એસ.ટી.સ્ટેન્ડ તોડી પાડીને નવુ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. હાલમાં હંગામી સ્ટેશન બનાવાયું છે, તેની બિલકુલ પાસે મુસાફરો માટે મુતરડી અને શૌચાલય બનાવાયુ છે. પરંતુ તેમાં પાણી પાઇપ લાઇન લીકેજ હોવાથી અને નિયમિત સફાઇ ન કરવામાં આવતાં ગંદકીથી ખદબદી રહ્યુ છે.જેના કારણે મુસાફર જનતાને હાલાકી ભોગવવી પડી રહી છે.
દહેગામ શહેરના ૩૫ વર્ષ જુના એસ.ટી.સ્ટેન્ડને તોડી અંદાજીત રૂ.૬ કરોડના ખર્ચે નવું બનાવવાની કામગીરીનો આરંભ કરી દેવાયો છે. મુસાફરો માટે ડેપો કમ્પાઉન્ડમાં જ હંગામી સ્ટેન્ડ બનાવાયું છે. તેની બાજુમાં જ મુસાફર માટે મુતરડી અને શૌચાલય બનાવાયું છે. પરંતુ ત્યાં કોઇપણ પ્રકારનું બોર્ડ લગાવવામાં ન આવતાં મુસાફરોમાં અવઢવ જેવા મળે છે.
બીજી તરફ એસ.ટી.ડેપોના શૌચાલય અને મુતરડીની પાણીની પાઇપ લાઇન લીકેજ હોવાથી ટાંકી ભરાયા બાદ થોડાક જ કલાકોમાં ખાલી થઇ જાય છે. એસ.ટી.તંત્ર દ્વારા શૌચાલયમાં પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવી સફાઇ કરાવાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે. દહેગામ એસ.ટી.ડેપોના શૌચાલય ગંદકીથી ખદબદતા મુસાફરોને હાલાકી વેઠવી પડે છે.