પાણી નથી, ડાંગરના ખેડૂતો વાવણી ન કરે, સિંચાઈ વિભાગનો પત્ર : ખેડૂતોમાં રોષ

697

ઉકાઈ ડેમમાં પાણી ઓછું હોવાના કારણે સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. સરકારના પરિપત્ર સામે સુરતના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઉનાળું ડાંગર નહીં વાવવા સિંચાઈ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે.

ઉકાઈ ડેમમાં પાણીની અછત હોવાના કારણે સિંચાઈ વિભાગે તાકીદ કરી છે. ત્યારે હવે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવશે. ખેડૂતો સરકારના પરિપત્રની હોળી કરીને વિરોધ કરશે. મહત્વનું છે કે, ઓછા વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પાણીનો મર્યાદીત જથ્થો છે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં ઉકાઈ ડેમમાં પાણીની સપાટી ૩૧૮ ફૂટ છે. ૩૨૫ ફૂટથી વધુ સપાટી હોય તો તંત્ર દ્વારા સિંચાઈ માટે પાણી છોડવામાં આવે છે. ઓછા પાણીના કારણે શેરડીના પાકને અસર થશે. શેરડીના સરેરાશ વાવેતરમાં આ વર્ષે ઘટાડો નોંધાયો છે. દરવર્ષે સરેરાશ ૧૫ હજાર એકરમાં શેરડીનું વાવેતર થાય છે. ચાલુ વર્ષે ૧૨ હજાર એકરમાં શેરડીનું વાવેતર થયું છે. આપને જણાવી દઇએ કે, રાજ્યમાં ચાલુ વર્ષે ગત વર્ષ કરતા પણ ઓછા પ્રમાણમાં વરસાદ પડતા રાજ્યના મોટાભાગના જળાશયોમાં પાણીની અછત સર્જાઇ હતી. આ સાથે જ રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં પણ પાણીનું પ્રમાણ ઘટતા રાજ્ય પર ચિંતાના વાદળો છવાયા હતા. ત્યારે તાજેતરમાં ઉકાઈ ડેમમાં પણ પાણી ઓછું હોવાથી રાજ્યના ખેડૂતોને ઉનાળુ ડાંગર નહીં વાવવા માટે તાકિદ કરવામાં આવી છે.  રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આ પરિપત્ર મામલે સુરતના ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી હતી. આ સાથે જ ખેડૂતોએ એક ચીમકી ઉચ્ચારતા જણાવેલ કે આગામી સમયમાં જો આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો આંદોલન કરવામાં આવશે.

Previous articleપશુધન માટે સાત કરોડ કિલો ઘાસચારાનું આયોજન કરાશે
Next articleઆરટીઓનો મહત્વનો નિર્ણય : HSRP નંબર પ્લેટ લગાવવા ઘર આંગણે આવશે