દહેજથી ઘોઘા તરફ આવવા નિકળેલા રો રો ફેરી સર્વિસના જહાજમાં મધદરિયે ઈમરજન્સી એલાર્મ વાગતા અધવચ્ચે જ જહાજ અટવાઈ જવા પામ્યું હતું. જેની જહાજમાં સવાર મુસાફરોને જાણ થતા તેઓના જીવ તાળવે ચોંટ્યા હતા. ત્રણેક કલાક ઉપરાંતના સમય સુધી મધદરિયે રહ્યા બાદ તંત્ર દ્વારા ટગ મારફત જહાજને ઘોઘા લવાતા મુસાફરોએ હાશકારો અનુભવ્યો હતો. આ બનાવથી ફેરી સર્વિસ સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. તાજેતરમાં જ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે રો-પેક્સ ફેરી સર્વિસના ઉદ્દઘાટન બાદ વાહનો સાથે મુસાફરોની હેરફેર શરૂ થઈ હતી અને દરરોજ ત્રણ થી ચાર ટ્રીફ આવન-જાવન કરતી હતી. જેને સારો પ્રતિસાદ પણ સાંપડી રહ્યો હતો પરંતુ આજે દહેજથી ઘોઘા આવવા સવારે ૧૧-૦૦ કલાકે ૪૭૦ મુસાફરો, ૯પ કાર તેમજ ૧૦ જેટલા ટ્રક સાથે નિકળેલા જહાજમાં મધદરિયે પહોંચતા ઈમરજન્સી એલાર્મ વાગતા કેપ્ટન દ્વારા જહાજનું એન્જીન બંધ કરાતા જહાજ મધદરિયે અટવાઈ જવા પામ્યું હતું.
આ અંગેની જાણ ગુજરાત મેરીટાઈમ બોર્ડ, ભાવનગરના પોર્ટ ઓફિસર સુધીર ચઢ્ઢાને કરાતા એકાદ કલાકના સમયમાં જહાજને પરત લાવવા માટે અલંગથી બે ટગ બોટ રવાના કરાઈ હતી અને આ બન્ને બોટે મધદરિયે પહોંચીને જહાજને ટોઈંગ કરીને ઘોઘા લવાયું હતું. દહેજથી ઘોઘા તરફ આવી રહેલું જહાજ બંધ પડ્યાની અંદર બેઠેલા મુસાફરોને જાણ થતા તેઓના જીવ તાળવે ચોંટ્યા હતા અને જહાજમાં દેકારો મચાવ્યો હતો પરંતુ રો-રો ફેરીના કર્મચારીઓના સમજાવટથી મુસાફરોને શાંત કરાયા હતા તો બીજી તરફ મુસાફરોના સગા સંબંધીઓને જાણ થતા તેઓ ઘોઘા પહોંચ્યા હતા અને જીએમબીના અધિકારીઓ પર ક્યારે આવશે તેવી સવાલોની ઝડી વરસાવી હતી. પોર્ટ ઓફિસર સુધીર ચઢ્ઢાએ લોકસંસાર સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવેલ કે જહાજના એન્જીનમાં ટેમ્પરેચર એલાર્મ વાગ્યું હોવાના કારણે એન્જીન બંધ કરી દેવામાં આવ્યું છે અને તપાસ કરવામાં આવી રહી છે. તમામ મુસાફરો સાથે જહાજને સુરક્ષિત રીતે ઘોઘા લવાઈ રહ્યું હોવાનું જણાવવા સાથે સાંજની તથા રાત્રીની ટ્રીપ રદ કરવામાં આવી હોવાનું પણ તેમણે વધુમાં જણાવ્યું હતું. જો કે તેમણે પત્રકારોને તથા ફોટોગ્રાફરોને બહાર રાખીને જોહુકમી કરી હતી. સાંજે જહાજ ઘોઘા પહોંચતા તમામ મુસાફરો તથા તેમના સંબંધીઓએ હાશકારો અનુભવ્યો હતો તો બીજી તરફ ફેરી સર્વિસ અંગે વિવિધ ચર્ચાઓ પણ થઈ રહી હતી ત્યારે ફેરી સર્વિસમાં વારંવાર આવી રહેલા વિઘ્નો સામે અનેક સવાલો પણ ઉઠવા પામ્યા છે.