દિલ્હી રોડ પર આવેલા જિંદલ પુલ પર રાતે અંદાજે બે વાગે એક ફૂલ સ્પીડમાં આવતી કાર ફૂટપાથ પર ઉંઘતા મજૂરોને કચડીને ૭૦ ફૂટ નીચે પડી હતી. આ એક્સિડન્ટમાં બિહારના ખગડિયા વિસ્તારના પાંચ મજૂરોના મોત થયા છે જ્યારે છ મજૂરો ઘાયલ થયા છે. પુલ પર બે દિવસથી રસ્તો બનાવવાનું કામ ચાલતું હતું. બધા મજૂરો કામ પુરી કરીને પુલ પર બનેલા જ ફૂટપાથ પર ઉંઘી રહ્યા હતા. ત્યારે હિસાર તરફથી ફૂલ સ્પીડે આવતી કાર ફૂટપાથ પર ચડી ગઈ હતી.
કાર ફૂટપાથ પર મુકેલા ડ્રમ સાથે અથડાઈ અને એક અન્ય કાર પણ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. તે કારમાં બેઠેલા ચાર લોકો ઘાયલ થયા હતા.
જિંદલ ફેક્ટરીના આસિસ્ટન્ટ સિક્યોરિટી ઓફિસર જસમેરે જણાવ્યું, ટક્કર પછી કાર નીચે પડવાથી ધડાકો થયો હતો. નીચે જોયુ તો ગાડીની અંદર એક ઘાયલ યુવતી તડપી રહી હતી. ડ્રાઈવરની બાજુવાળી સીટનું એરબેગ ખુલી ગઈ હતી. એરબેગના કારણે તે વ્યક્તિનો જીવ બચી ગયો હતો. આ કારમાં ત્રણ લોકો બેઠેલા હોવાનું જાણવા મળ્યું છે. જે આ એક્સિડન્ટ પછીથી ફરાર છે. કારમાં ઘણાં આઈડી અને ૯૪ હજાર રૂપિયા કેશ મળ્યા છે. જેને પોલીસે કબજામાં લઈ લીધા છે.