આઈ. સી. સી. મહિલા વર્લ્ડ ટી-૨૦ ચૅમ્પિયનશિપની શુક્રવારે સવારે (ભારતીય સમય અનુસાર) રમાનારી સેમી-ફાઈનલ મેચમાં ભારત ગયા વર્ષે વર્લ્ડ કપની ફાઈનલમાં થયેલા પરાજયનો બદલો લેવા ઈંગ્લેન્ડ સામે રમશે. ગયા વર્ષે પચાસ ઓવરની મેચોના વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડે લોડ્ર્સ ખાતે ભારતને નવ રનથી રસાકસીભરી ફાઈનલમાં પરાજય આપ્યો હતો. પણ, તે સ્પર્ધાથી ભારતના મહિલા ક્રિકેટની ઘણી પ્રગતિ થઈ હતી કે જેમાં રાષ્ટ્રની ટીમે વેગ જાળવી રાખ્યો છે અને વર્તમાનની ટી-૨૦ વર્લ્ડ ચૅમ્પિયનશિપ આ વાતનો પુરાવો છે.
ભારતે વર્લ્ડ ટી-૨૦માં પોતાની બધી વિભાગીય મેચમાં અજેય રહી ન્યૂ ઝીલેન્ડ અને ઑસ્ટ્રેલિયાની બે પ્રબળ ટીમને અનુક્રમે ૩૪ અને ૪૮ રનથી પરાજય આપ્યો હતો. પણ, વન-ડે ક્રિકેટના વર્લ્ડ ચૅમ્પિયન ઈંગ્લેન્ડ ટૂંકી મુદતની ક્રિકેટમાં ઘણી સારી ટીમ છે અને ભારતીય મહિલાઓએ જીતવા માટે શ્રમ કરવો પડશે. કેપ્ટન હરમનપ્રીત કૌરના દેખાવમાં ભારતની સફળતાની ચાવી છે અને મોગામાં જન્મેલી આ ખેલાડી રમતનો ચહેરો ફેરવી નાખવા કાબેલ છે.
વર્તમાન વર્લ્ડ ટી-૨૦માં પણ તેણે ન્યૂ ઝીલેન્ડ સામે સદી ફટકારી હતી અને ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ મહત્ત્વના ઝડપી ૪૩ રન કર્યા હતા. હરમનપ્રીત ચાર મેચમાં કુલ ૧૬૭ રન કરવા સાથે સ્પર્ધાની હાલ સૌથી વધુ રનકર્તા રહે છે અને સ્મૃતિ મંદાના ૧૪૪ રન સાથે યાદીમાં ચોથા ક્રમે છે. ભારતીય ટીમની અન્ય સ્તંભ સમાન બેટધર મિતાલી રાજ ઑસ્ટ્રેલિયા સામેની છેલ્લી વિભાગીય મેચમાંથી આરામ લીધા પછી ટીમમાં પાછી ફરશે.