અનામત આંદોલન : હાર્દિક પટેલે ઓબીસી પંચ સમક્ષ ૧૧ પાનાની લેખિત રજૂઆત કરી

610

પાટીદાર અનામત આંદોલનને ફરી વેગવંતુ બનાવવા હાર્દિક પટેલે વ્યૂ રચના ગોઠવી લીધી છે. આમરણ ઉપવાસ બાદ હવે હાર્દિક પટેલ તમામ ૨૫ કન્વીનરોને સાથે રાખી ગાંધીનગર કુચ કરી હતી. અહીં તેણે પોતાના ૨૫ કન્વીનરોને સાથે રાખી ઓબીસી પંચ સમક્ષ ૧૧ પાનાની લેખીતમાં રજૂઆત કરી હતી. રજૂઆત બાદ હાર્દિક પટેલે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું કે ઓબીસી પંચનું હકારાત્મક વલણ રહ્યું હતું. મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત માટેની ભલામણો સ્વીકાર્યા બાદ ગુજરાતમાં પણ પાટીદારોને અનામત મળે તે માટે હાર્દિક પટેલે પ્રયાસો તેજ કરી દીધા છે. હાર્દિકે હવે નવો રસ્તો અપનાવ્યો છે, જેમાં તે પોતાની પાસની ટીમના ૨૫ કન્વીનરો સાથે મળીને ગાંધીનગર સ્થિત ઓબીસી પંચને લેખીતમાં રજૂઆત કરી હતી. ત્યારબાદ હાર્દિકે જણાવ્યું કે અમે ઓબીસી પંચને રજૂઆત કરી છે, સરકાર અને અન્ય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ સુજ્ઞાબેન ભટ્ટે અમારી વાત સાંભળી છે, પાટીદારોને ચોક્કસ અનામત મળવાના ચાન્સ છે.

હાર્દિકે જણાવ્યું કે અમને ભાજપ સરકાર પાસેથી પણ સહકારની આશા છે, સરકાર પાટીદારોના હીતનું વિચારે, ગાંધીનગર ખાતે ઓબીસી પંચને મળ્યા બાદ તેઓ ફરી એક અઠવાડિયા પછી મુલાકાત કરશે તથા રાજ્યમાં સરવે કરવામાં આવ્યા બાદ યોગ્ય નિર્ણય લેશે તેવી આશા છે. આ સિવાય હાર્દિકે મહારાષ્ટ્ર હાઇકોર્ટમાં પણ અરજી કરી છે.

હાર્દિકે ભાજપ અને કોંગ્રેસ બંનેને આડેહાથે લીધા છે. જેને કોંગ્રેસને પણ વિધાનસભાના સત્રમાં પાટીદારોના અનામત મામલે ખાનગી બિલ લાવવા માટે માગણી કરી છે. જસદણની ચૂંટણી માટે પણ કોંગ્રેસના વિરોધપક્ષના નેતા સાથે મીટિંગ બાદ નિર્ણય લઇશું તેમ જણાવી દહીં અને દૂધમાં પગ મૂકવાની કોશિષ કરી છે. લોકસભાની ચૂંટણી પહેલાં અનામતનો મામલો રૂપાણી સરકાર માટે ફરી માથાનો દુખાવો બની શકે છે. નીતિન ભાઈ પટેલે મરાઠા અનામત પેટર્ન અંગે સરકાર વિચારી શકે છે તેમ જણાવી રસ્તો ખુલ્લો રાખ્યો છે પણ આજથી ફરી પાટીદાર અનામતનો મામલો ગુજરાતમાં જીવંત બની ગયો છે.

Previous articleજસદણ પેટા ચૂંટણી : ૨૦મી ડિસેમ્બરે,૨૩મીએ પરિણામ
Next articleનર્મદા ડેમ માટે મધ્યપ્રદેશથી પાણી છોડવામાં આવ્યું, જથ્થો વધારવા પ્રયાસ