નર્મદા ડેમ માટે મધ્યપ્રદેશથી પાણી છોડવામાં આવ્યું, જથ્થો વધારવા પ્રયાસ

599

પીવાના, સિંચાઈના અને વપરાશના પાણીની આ વર્ષે વરસાદની ઘટને લઇને સંકટની સ્થિતિ સર્જાઈ ચૂકી છે ત્યારે તેના ઉપાયો અંગે વિચારવા પ્રશાસન માટે અગત્યનો પ્રશ્ન બની રહ્યો છે. ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમમાં પાણીનો જથ્થો વધારવાના પ્રયત્નરુપે મધ્યપ્રદેશથી પાણી છોડવામાં આવ્યું હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે.સિંચાઈ અને પીવાના પાણી માટે નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. આ સમયે ડેમની સપાટી ધીમેધીમે ઓછી થઈ રહી છે. આ સંજોગોમાં મધ્યપ્રદેશમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે.મધ્ય પ્રદેશમાંથી ૧૨,૨૨૯ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ પાણીની સતત આવકથી ડેમની સપાટીમાં વધારો થયો છે. હાલ ડેમની સપાટી વધીને ૧૨૭.૬૧ મીટર પર પહોંચી છે. હાલ નર્મદા ડેમમાંથી પીવા તેમજ સિંચાઈ માટે મુખ્ય કેનાલમાંથી ૧૯,૯૯૫ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.  હાલ નર્મદા ડેમમાં ૨૮૭૭ દ્બષ્ઠદ્બ મિલિયન ક્યુબીક મીટર પાણીનો જથ્થો છે.

ગત વર્ષ કરતા આ વર્ષે ડેમમાં બમણું પાણી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સરકારે દાવો કર્યો છે કે નર્મદા ડેમમાં પાણીનો જે જથ્થો છે તે ગુજરાતને પીવા તેમ જ સિંચાઈ માટે એક વર્ષ સુધી ચાલી શકે છે. તો સામે પક્ષે સતત બીજા વર્ષે નર્મદામાં પાણીની ઘટ પડી હોવાથી આગામી દિવસોમાં રાજ્યમાં પાણીની તીવ્ર અછત સર્જાશે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે શિયાળું પાક માટે પાણી છોડવામાં આવ્યા બાદ, તેમ જ સૌની યોજના અંતર્ગત વિવિધ ડેમો ભરાયા બાદ ફેબ્રુઆરી કે માર્ચ સુધીમાં ડેમનું તળિયું દેખાય તેવી ભીતિ છે. આ સંજોગોમાં ગુજરાતને મધ્યપ્રદેશમાંથી વધુ પાણી મેળવવું પડે તેમ છે.

Previous articleઅનામત આંદોલન : હાર્દિક પટેલે ઓબીસી પંચ સમક્ષ ૧૧ પાનાની લેખિત રજૂઆત કરી
Next articleગુજરાતને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર એવોર્ડ ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડુના હસ્તે મુખ્યમંત્રીને એવોર્ડ એનાયત