જસદણ પેટા ચૂંટણીમાં ભાજપને હરાવવા કોંગ્રેસ માટે પ્રચાર કરીશઃ શંકરસિંહ વાઘેલા

1260

આજે જાહેર થયેલી જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી લોકસભા ચૂંટણી ૨૦૧૯ પહેલા ભાજપ માટે લિટમસ ટેસ્ટ સમાન છે. આ પેટા ચૂંટણીને લઇ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે, ભાજપને હરાવવા માટે હું કંઈ પણ કરીશ, જસદણની પેટા ચૂંટણીમાં ભાજપને પરાજીત કરવા માટે હું કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર કરવા પણ જઈશ. શંકરસિંહ વાઘેલાએ વધુમાં કહ્યું કે, ભાજપ જ ભાજપના ઉમેદવારને પરાજીત કરશે અને ભાજપનો પરાજય નિશ્ચિત છે.

આજે શંકરસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સ યોજી ભાજપની ટીકા કરતા જણાવ્યું કે, ભાજપની ટૂંકી દ્રષ્ટીથી કાશ્મીર ખોવાનો વારો આવશે. ગુજરાતમાં પણ કોઈ સરકાર નથી, મન ફાવે તેમ લોકો કામ કરી રહ્યા છે. દિલ્હી સરકારમાં અનેક ચાપલુસ અધિકારીઓ છે, જે વાહી વાહી કરે છે, તેવા અધિકારીઓને મોટી મોટી પોસ્ટ આપી દેવામાં આવી છે.

આ ઉપરાંત વાઘેલાએ પીએમ મોદીનું નામ લીધા વગર કહ્યું કે, ભાજપ સરકારમાં ભ્રષ્ટાચાર ખૂબ વ્યાપ્યો છે. ભ્રષ્ટાચારના તાર ગુજરાત સાથે જોડાયા છે. ભાજપ સરકાર લોકશાહીનો ભંગ કરી રહી છે. તમામ સ્વાયત સરકારી સંસ્થાઓમાં પોતાના મળતીયા અધિકારીઓને મુકીને દખલ કરવામાં આવી રહી છે. અગામી દિવસમાં લોકસભા ચૂંટણીમાં હું સક્રિય રહીશ. હું એન્ટી ભાજપ તરીકે કામ કરીશ.ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ નો ગઢ ગણાતી જસદણ બેઠક હાલ રાજકારણમાં હોટ ફેવરિટ થઈ ચૂકી છે. કોંગ્રેસના એક સમયના કદાવર નેતા અને કોળી સમાજના આગેવાન કુંવરજી બાવાળીયા ના કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા ત્યારેથી જાણે કે રાજકારણ ગરમાઈ ગયું છે.

Previous articleગુજરાતને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર એવોર્ડ ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડુના હસ્તે મુખ્યમંત્રીને એવોર્ડ એનાયત
Next articleહાફીઝ સામે કાર્યવાહી કરવા ભારતની પાસે ક્ષમતા જ નથી