જમ્મુ કાશ્મીરના કુલગામમાં સેનાના આરઆર કેમ્પ પર કરવામાં આવેલા હુમલા બાદ સેનાના જવાનોએ તરત જ કાર્યવાહી કરી હતી. જો કે ત્રાસવાદીઓ હુમલો કરીને ફરાર થઇ જવામાં સફળ રહ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ આજે સવારે જમ્મુ કાશ્મીરના કુલગામમાં સ્કોસ્ટ રિસર્ચ સેન્ટર નજીક સેનાના કેમ્પ પર ત્રાસવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. સુરક્ષા દળોએ તરત જ જવાબી કાર્યવાહી કરી હતી. આ હુમલામાં એક સ્થાનિક નાગરિક ઘાયલ થયો હતો. એમ કહેવામાં આવી રહ્યુ છે કે સેના તરફથી કરવામાં આવેલી કાર્યવાહી છતાં ત્રાસવાદીઓ ફરાર થઇ જવામાં સફળ રહ્યા હતા.
ત્રાસવાદીઓની શોધખળો માટે જોરદાર ઓપરેશન ચાલી રહ્યુ છે. સોપિયન જિલ્લા અને આસપાસના વિસ્તારોના સ્થાનિક ત્રાસવાદીઓ સક્રિય થયા હોવાના અહેવાલ હાલમાં મળી રહ્યા છે. સેના અને સુરક્ષા દળો દ્વારા જમ્મુ કાશ્મીરના જુદા જુદા વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા ઓપરેશન ઓલઆઉટના કારણે હજુ સુધી લશ્કરે તોઇબા અને જૈશે મોહમ્મદના ખૂંખાર ત્રાસવાદીઓ સહિત સેંકડો ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. ત્રાસવાદી સંગઠનોની કમર તોડી દેવામાં આવી છે.જમ્મુ કાશ્મીરમાં અંકુશ રેખા નજીક મંગળવારના દિવસે પાકિસ્તાન તરફથી ફરી એકવાર યુદ્ધવિરામનો ભંગ કરને જોરદાર ગોળીબાર કરવામાં આવ્યો છે. ઉપરાંત શોપિયન જિલ્લામાં મંગળવારે જ ભીષણ અથડામણ થઇ હતી. આ અથડામણમાં ચાર કુખ્યાત ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. ઠાર કરવામાં આવેલા ચાર ત્રાસવાદીઓની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં એક જવાન પણ શહીદ થયો હતો. અન્ય બે જવાન ઘાયલ થયા હતા. પુચમાં સરહદ પારથી બ્રિગેડ હેડક્વાટર્સને ટાર્ગેટ બનાવીને ગોળીબાર કરવામાં આવ્યો હતો. શોપિયન જિલ્લાના નંદગામ વિસ્તારોમાં સુરક્ષા દળોને બેથી ત્રણ ત્રાસવાદીઓ છુપાયા હોવાન માહિતી મળી હતી. ત્યારબાદ સમગ્ર વિસ્તારને ઘેરી લઇને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ચાર ત્રાસવાદીઓ ઠાર થયા હતા.
પાકિસ્તાને વારંવાર ગોળીબાર કરીને સ્થિતીને ગંભીર અને વિસ્ફોટક બનાવવા માટેના પ્રયાસ કર્યા છે. તે પહેલા જમ્મુ કાશ્મીરના સોપિયનમાં જ રવિવારે અથડામણમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કરી દીધા હતા. જમ્મુ કાશ્મીર પોલીસના કહેવા મુજબ ત્રાસવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટકોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. માર્યા ગયેલા બે આતંકવાદીઓની ઓળખ સોપિયાના નવાઝવાગે અને પુલવામાના યાવરવાલી તરીકે થઇ હતી.