હવે પાસપોર્ટ બનાવવાની પ્રક્રિયા વધુ સરળ અને સુવિધાજનક બનવા જઇ રહી છે. ભારત સરકારે આગામી વર્ષે માર્ચ સુધી દેશના તમામ ૫૪૩ સંસદીય ક્ષેત્રમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર બનાવવાની જાહેરાત કરી છે. વિદેશ રાજ્યમંત્રી વીકેસિંહે આજે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા યોજના તૈયાર કરવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, પાસપોર્ટ સેવાઓમાં લોકોને સુવિધા મળે તેવા પ્રયાસ ચાલી રહ્યા છે. સરકારે આ બાબતની ખાતરી કરવાના પ્રયાસમાં છે કે, ભારતીય નાગરિક દેશમાં રહે કે વિદેશમાં તેમના પાસપોર્ટ હાંસલ કરવામાં કોઇ તકલીફ આવી જોઇએ નહીં. વિદેશ રાજ્યમંત્રીએ કહ્યું હતું કે, ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં પાસપોર્ટ સેવા પ્રોગ્રામની શરૂઆત થઇ ચુકી છે.
સિંહે કહ્યું હતું કે, કેટલાક ભારતીય નાગરિકોને પાસપોર્ટ મળી પણ ચુક્યા છે. જે લોકોએ નવા પ્રોગ્રામ મારફતે પોતાના પાસપોર્ટના નવીનીકરણ કરાવ્યા છે તેમની પણ કોઇ ફરિયાદ રહી નથી. ભારતમાં પાસપોર્ટ સેવાઓની ડિલિવરીમાં ખુબ પરિવર્તન થઇ રહ્યું છે. ગ્લોબલ લોંચના કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, આ પ્રોજેક્ટ વિદેશમાં અમારા નાગરિકો માટે વધુ સારી સેવાઓ ઉપલબ્ધ કરાવશે. આ એક એવી સેવા છે જે સાચા અર્થમાં નાગરિકો માટે છે. કેન્દ્રીયમંત્રીએ કહ્યું હતું કે, નવી વ્યવસ્થા એક સરળ અને સુવિધાજનક અરજીની પ્રક્રિયા તરીકે છે. સિંહે ઉમેર્યું હતું કે, કોઇપણ નાગરિકને પોતાના અને પોતાની પાસપોર્ટ સેવાઓ માટે ૫૦-૬૦ કિમી સુધી દૂર ન જવું પડે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. વર્ષ ૨૦૧૭માં પાસપોર્ટ સાથે સંબંધિત સેવાઓમાં ૧૯ ટકાનો વધારો નોંધાયો હતો. આજની તારીખમાં ૨૩૬ પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર કામ કરી રહ્યા છે. ૩૬ પાસપોર્ટ ઓફિસ અને ૯૩ પાસપોર્ટ સેવા કેન્દ્રો છે.