સિહોર નગરપાલિકાની આળસને કારણે સિહોરના ખારાકુવા ચોક પાસે આવેલા રસ્તામાં પાણીની લાઈન રીપેરીંગ માટે ગાળવામાં આવેલા ખાડાને આજે ૨૦ દીવસ જેટલો સમય થઈ ગયો હોવા છતા પણ કામ કરવામાં આળસુ સિહોરનું પાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં હોઈ એવું લાગી રહ્યું છે. રોડ ઉપરના આ ખાડાને કારણે બે-ત્રણ જણને નાની મોટી ઈજાઓ પણ થઈ છે આ રસ્તે ચાલતા વાહનચાલકો અને આ વિસ્તારના રહીશોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને નવાઈની વાત તો એ છે કે આ જ રસ્તા પર સિહોર નગરપાલિકાના પ્રમુખ અને વોટરવર્કસના ચેરમેનની રોજની અવરજવર હોવા છતાં કેમ આ ખાડા તરફ ધ્યાન નથી જઈ રહ્યું તેવી લોકમુખે ચર્ચા થઈ રહી છે. આ બાબતે પાલિકા તંત્ર વહેલી તકે લાઈન રીપેર કરાવીને લોકોને પડતી મુશ્કેલી વહેલી તકે દૂર કરે તેવી આ વિસ્તારના લોકોની માંગણી છે. ત્યારે બીજી બાજુ સામાન્ય વાલ્વ લીકેજના કારણે અમુલ્ય પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. એલ.ડી.મુની હાઈસ્કુલ સામેના રસ્તા ઉપર હજારો લીટર પાણીનો વેડફાટ થઈ જવા પામ્યો હતો.